બૅન્ક, ટેલિકૉમ કંપનીને મળી શકે `આધાર'' : જેટલીનું વિધાન

રૂપિયા અંગે કહ્યું, ડૉલર સામે બીજાં ચલણો પણ નબળાં પડયાં

નવી દિલ્હી, તા.6 : નાણામંત્રી અરુણ જેટલીએ આજે જણાવ્યું હતું કે, સંસદથી પસાર કરાયેલા કાનૂનના માધ્યમથી મોબાઈલ ફોન અને બેન્ક ખાતાંઓથી આધાર કાર્ડને જોડવાનું બહાલ કરી શકાય છે. જો કે, જેટલીએ એ જણાવ્યું ન હતું કે, સરકાર આવો કાયદો લાવશે કે નહીં.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા મહિને આધારની બંધારણીયતાને મંજૂર રાખવાની સાથે જ 12 આંકડાના બાયોમેટ્રિક નંબરથી ઓળખાણ સત્યાપનને ટેલિકોમ ઓપરેટર્સ અને ખાનગી કંપનીઓને રોક લગાવી હતી.
જેટલીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે એ સ્વીકાર્યું છે કે આધારની પાછળનો ઉદ્દેશ્ય સારો છે. આધાર નાગરિકતાનો કાર્ડ નથી. આપણે ત્યાં એવી પ્રણાલી છે કે મદદ અને સબસિડીના રૂપમાં ઘણી મોટી રકમ સરકાર લોકો વચ્ચે વહેંચતી હોય છે. આધારની પાછળ આ જ મુખ્ય હેતુ હતો. જેટલીએ એમ પણ કહ્યું કે, ખાનગી કંપનીઓ પણ આધારનો ઉપયોગ કરી શકે છે પરંતુ તે માટે કાયદો બનાવવો પડશે.
દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે,  વૈશ્વિક અર્થતંત્રમાં ઊથલપાથલના કારણે ડોલરની સામે માત્ર રૂપિયો જ નબળો નથી પડયો. અન્ય ચલણને પણ અસર પડી છે અને આ એક વૈશ્વિક સમસ્યા છે. જો કે, વિદેશી રોકાણમાં વૃદ્ધિ માટે સરકારે નવી નીતિ ઉપરની અમલવારી શરૂ કરી દીધી છે તેમજ અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સ ગ્લોબલ સમિટમાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, દુનિયાના મોટાભાગનાં ચલણ ડોલર સામે નબળાં પડી રહ્યાં છે. જો કે, ભારત આ મુશ્કેલીમાંથી સફળતાપૂર્વક ઉગરી જશે. જેટલીએ દાવો કર્યો હતો કે, આગામી બે દાયકામાં ભારત ચીન કરતાં પણ વધુ સારું આર્થિક પ્રદર્શન કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer