બીએસઈના કૉમોડિટી સેગમેન્ટના પહેલા અઠવાડિયે સકારાત્મક શરૂઆત

શુક્રવારે સોના-ચાંદીમાં ટર્નઓવર રૂા.100 કરોડને પાર
 
મુંબઈ, તા.6 : બીએસઈના કૉમોડિટી સેગમેન્ટના પહેલા અઠવાડિયે સકારાત્મક શરૂઆત થઈ હતી અને શુક્રવારે સોના-ચાંદીમાં દૈનિક ટર્નઓવર રૂા. 101 કરોડ થયું હતું. સોનાના કૉન્ટ્રાક્ટમાં રૂા. 77.92 કરોડના 248 લોટ્સ અને ચાંદીમાં રૂા. 23.88 કરોડના 204 લોટ્સનું ટ્રેડિંગ થયું હતું. આમ અઠવાડિયા દરમિયાન કુલ વેપાર રૂા. 295 કરોડનો થયો હતો.
બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે, નબળા વૈશ્વિક પરિબળો વચ્ચે કૉમોડિટી વાયદાના ટ્રેડિંગમાં અમે સારો દેખાવ કરી શક્યા તેનો અમને આનંદ છે. મોટા ભાગના ભાગીદારોએ ફક્ત ટેસ્ટ માટે ટ્રેડ કરી રહ્યા હતા, તેમ છતાં વોલ્યુમ પહેલા અઠવાડિયામાં રૂા. 100 કરોડને પાર થયું હતું. 
બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ ઍક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ બીએસઈને 1 અૉક્ટોબર, 2018થી કૉમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. ઍક્સ્ચેન્જે ડિલિવરી આધારિત સોનું (એક કિલો) અને ચાંદી (30 કિલો)ના વાયદા શરૂ કર્યા છે. ઉપરાંત બીએસઈએ કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં પહેલા વર્ષ માટે ટ્રાન્ઝેક્શન ચાર્જિંગ રાખ્યા નથી. સામાન્ય રીતે કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં એસટીટીના 50 ટકા ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગુ પડે છે. 442 એક્સપ્રેશન અૉફ ઈન્ટરસ્ટ સામે બીએસઈએ 145 ટ્રેડિંગ મેમ્બર્સ અને 27 ક્લિયરિંગ મેમ્બર્સને કૉમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે રજિસ્ટર્ડ કર્યા છે. 
બીએસઈએ કોપર અને અૉઈલના કૉન્ટ્રાક્ટ માટે પણ સેબીમાં અરજી કરી છે. આ કૉન્ટ્રાક્ટ મંજૂર થયા બાદ ઍક્સ્ચેન્જ આ વાયદા ત્વરિત ધોરણે શરૂ કરશે. ઉપરાંત સેબી દ્વારા મંજૂર 90થી પણ વધુ કૉમોડિટીમાંથી બીએસઈ 70 જેટલી કૉમોડિટીના વાયદા લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer