ધ `વિજય'' `વિરાટ'' શો

ધ `વિજય'' `વિરાટ'' શો

દિલ્હી ટેસ્ટના પ્રથમ દિવસે કોહલી (156*) અને મુરલી (155)ની દોઢી સદી થકી ભારતની જોરદાર શરૂઆત : 4/371

નવી દિલ્હી, તા. 2 : રનમશીન વિરાટ કોહલીની સદીની હેટ્રિક(156 રને દાવમાં) અને મુરલી વિજયના સળંગ બીજા
શતક(155)ની મદદથી ટીમ ઈન્ડિયાએ અહીં શ્રીલંકા સામે ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે જ 4 વિકેટે 371રન ખડકીને જોરદાર શરૂઆત કરી હતી. વિરાટ ત્રણ ટેસ્ટની સિરીઝમાં ત્રણ સદી ફટકારનારો પ્રથમ કેપ્ટન બન્યો હતો અને 5000 રનનું સીમાચિહ્ન પણ પાર કર્યું હતું. દિવસના અંતે વિરાટ સાથે રોહિત શર્મા 6 રને દાવમાં છે. 
શ્રીલંકાના બોલરોની નિસ્તેજ બોલીંગને વિજય અને કોહલીએ ચોમેર ઝુડી કાઢી હતી. શિખર(23) અને પુજારા(23) મોટો સ્કોર બનાવી શક્યા નહોતા અને 78ના જુમલે ભારતની બીજી વિકેટ પડયા બાદ વિજય અને વિરાટે બાઝી સંભાળી હતી અને ત્રીજી વિકેટ માટે 281 રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી. ગત ટેસ્ટમાં 123 રન કરનારા વિજયે અહીં પણ ઝમકદાર બેટિંગ કરી હતી તો કોહલી તો જાણે વનડે મેચ રમતો હોય તેમ બોલરોની ધોલાઈ કરી હતી અને સળંગ ત્રીજી સદી ફટકારી હતી. બીજી ટેસ્ટમાં બેવડા શતક બાદ અહીં પણ તે બેવડી સદી ફટકારે તેવી ક્રિકેટચાહકોને આશા છે. કોહલીએ 16 તો વિજયે 13 સદી ફટકારી હતી. 
361ના સ્કોરે વિજય સંદકનના દડામાં સ્ટમ્પ આઉટ થયો હતો અને 4 જ રનના ઉમેરા બાદ સંદકનની જ બોલીંગમાં રહાણે(2) પણ એ જ રીતે સ્ટમ્પ થયો હતો. લંકાના બોલરોના સ્તરને જોતાં એક કોમેન્ટેટરે એવી પણ ટિપ્પણી કરી હતી કે લાહિરુ ગમાગે રણજી ટ્રોફી મેચમાં પણ ત્રીજો સીમર હોય તેમ બોલીંગ કરે છે. રહાણેની નિષ્ફળતાનો દોર આગળ વધ્યો હતો. ભારતે આજે 4થી વધુની રનગતિ સાથે બેટિંગ કરી હતી અને કાલે પણ એ જ સિલસિલો જારી રહે તેમ જોવાય છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer