કોસ્ટ ગાર્ડના હેલિકૉપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ, મહિલા સહપાઇલટને ઇજા

મુંબઈ,તા.10 (પીટીઆઇ) : ચાર ક્રુ મેમ્બર સાથે પેટ્રોલિંગ માટે નીકળેલા કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરમાં અચાનક ટેકનીકલ ખામી સર્જાતા રાયગડ જિલ્લાના નંદગાંવ બીચ પર ઇમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી અને આ ઉતરાણમાં એક મહિલા સહપાઇલટને ઇજા પહોંચી હતી, એમ કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું હતું. નૌકાદળે અગાઉ આ હેલિકોપ્ટર તૂટી પડયું હોવાનો અહેવાલ આપ્યો હતો. જો કે કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે પ્રાથમિક અહેવાલો પ્રમાણે મુંબઈના દરિયા કાંઠેથી ચાર ક્રુ મેમ્બર સાથે આ હેલિકોપ્ટરે નિયમિત પેટ્રોલિંગ માટે ઉડાન ભરી હતી અને વીસેક મિનિટ ઉડ્ડયન બાદ અચાનક તેમાં ટેકનીકલ ખામી સર્જાઇ હતી. મુરૂડ તાલુકાના નંદગાંવ બીચ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.   કોસ્ટ ગાર્ડના પાઇલટ ડેપ્યુટી કમાન્ડન્ટ બલવિન્દર સિંહે વસતીમાં લેન્ડિંગના બદલે બીચ પર હેલિકોપ્ટરને ઉતરાણ કરાવીને કોઇ મોટો અકસ્માત ટાળ્યો હતો. જો કે આ લેન્ડિંગ દરમિયાન સહપાઇલટ પેન્ની ચૌધરીને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, તેમને સારવાર અપાઇ રહી છે અને કોઇ જોખમ નથી.     

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer