કાર્તિના ચેન્નઈ- દિલ્હીમાંનાં સ્થળોએ ઈડીના દરોડા

કાર્તિના ચેન્નઈ- દિલ્હીમાંનાં સ્થળોએ ઈડીના દરોડા
 
ઈડીનું પગલું હાસ્યાસ્પદ: ચિદમ્બરમ, સરકાર બદલો લઈ રહી છે: કૉંગ્રેસ

નવી દિલ્હી, તા. 13 (પીટીઆઈ): એરસેલ-મેક્ષિસ કેસમાં મની લોન્ડરિંગ (કાળા નાણાં ધોળા કરવાના)ની તપાસ સંબંધે, કોંગ્રેસી નેતા પી. ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમ સાથે સંકળાયેલી, દિલ્હી અને ચેન્નાઈમાંની અનેક સ્થાવર મિલકતોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આજે છાપા મારી તલાશી લીધી હતી. આઈએનએક્ષ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં કાર્તિની અનુપસ્થિતિને લઈ સમન્સ જારી કરનાર ઈડીએ હવે તા. 16મીએ કાર્તિને હાજર થવા ફરમાવ્યું છે.
ઈડીના આ પગલાને પી. ચિદંબરમે હાસ્યાસ્પદ ગણાવી જણાવ્યું હતું કે ઈડીના અધિકારીઓને કશું મળ્યું નથી પરંતુ સરકારના સંસદમાંના નિવેદન મુજબ કંઈક કર્યાના પ્રતિપાદન માટે આમ કર્યું છે. કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને તેમની ભાજપી સરકાર ઈડી તથા સીબીઆઈ દ્વારા બદલો લઈ રહ્યા છે. સૂચિત ગુના સબબ સીબીઆઈ કે અન્ય કોઈ એજન્સી દ્વારા કોઈ એફઆઈઆર થઈ નથી. ઈડી આવા છાપા મારશે તેનો મને અંદાજ હતો જ પરંતુ પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ જાંચ કરવાનો ઈડીને કોઈ અધિકાર નથી.
ચિદંબરમ નાણામંત્રી હતા ત્યારે '06માં મોરેશિયસમાં રોકાણ મેળવવા આઈએનએક્ષ મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના કેસમાં બહાલી મેળવી આપવા કાર્તિએ વગ વાપરી કથિત ઉલ્લંઘનો કરીને વેરા તપાસમાં ગોબાચારી માટે મીડિયા કંપની પાસેથી પૈસા લીધાનો ઈડીનો આરોપ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer