મુંબઈમાં વધુ 414 હોટેલોની તપાસ : બે ઉપહારગૃહ સીલ કરાયાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : બૃહદ મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં હોટેલો અને રેસ્ટોરાંની તપાસ ઝુંબેશ આજે પણ દિવસભર
ચાલુ રહી હતી. વિવિધ બોર્ડમાં 414 ઉપહારગૃહોની તપાસ કરાઈ હતી. અગ્નિ સુરક્ષા નિયમોનો ભંગ કરવા બદલ બે હોટેલોને સીલ મારવામાં આવ્યાં હતાં, એમ મહાપાલિકાની અખબારી યાદીમાં જણાવામાં આવ્યું હતું.
એચ-પશ્ચિમ અને જી-ઉતર વોર્ડમાં બન્નેમાં એક એક હોટેલ સીલ કરાઈ હતી. ઝુંબેશ દરમિયાન 120 ઠેકાણે ગેરકાયદે બાંધકામો જણાઈ આવ્યાં હતાં. તેને તત્કાળ તોડી પાડવામાં આવ્યાં હતાં.
214 ઉપહાર ગૃહોની તપાસ કરીને તેમને જરૂરી સુધારાવધારા તત્કાળ કરવાનું જણાવ્યું હતું. ઝુંબેશ દરમિયાન 123 ગૅસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં હતાં, એમ પણ યાદીમાં જણાવાયું હતું.