પાસપોર્ટ હવે બે કલરમાં, અંતિમ પાનું કોરું રખાશે
નવી દિલ્હી, તા. 13: પાસપોર્ટ સંબંધિત પ્રશ્નો-ખાસ તો પાસપોર્ટમાં બાળકના પિતાનું નામ ન ઉલ્લેખવામાં આવે તેવી `સિંગલ' (પતિ વિના રહેતી) માતાઓની વિનંતીઓ વ. તપાસી જવા રચાયેલી 3 સભ્યોની સમિતિની ભલામણ મુજબ સરકારે પાસપોર્ટનું અંતિમ પૃષ્ઠ કોરું રાખવા નિર્ણય કર્યો છે. હાલ પાસપોર્ટના અંતિમ પાને પિતા/ કાનૂની વાલી, માતા, જીવનસાથી, સરનામું અને તેનો ધારક ઈમિગ્રેશન ચેક રીક્વાયર્ડ (ઈસીઆર)ની કેટેગરીમાં આવે છે કે કેમ તેની યાદી હોય છે. બદલાયેલી પદ્ધતિ મુજબ ઈસીઆર સ્ટેટસવાળાના પાસપોર્ટ કેસરી રંગના રહેશે એમ વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે.
પાસપોર્ટમાં પિતાનું નામ ઉલ્લેખવામાં ન આવે એવો આગ્રહ રાખતી માતા/બાળકની અરજીઓ તથા સિંગલ પેરન્ટ અને દત્તક લેવાયેલાં બાળકને જારી થતાં પાસપોર્ટ સંબંધિત અરજીઓ સંબંધિત પ્રશ્નો તપાસનાર સમિતિએ આપેલો રીપોર્ટ વિદેશ ખાતાએ સ્વીકાર્યો છે. સમિતિની એક ભલામણ પાસપોર્ટના અંતિમ પાને છપાતી માહિતી હવે દૂર કરવામાં આવે તેને લગતી છે.