ન્યાયતંત્રને મૂંગું અને બહેરું કરવાનો પ્રયાસ : ઉદ્ધવ ઠાકરે


મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : દેશના વડા ન્યાયામૂર્તિ વિરુદ્ધ દેખીતો બળવો કરનાર સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયમૂર્તિઓની પ્રશંસા કરતા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્રને મૂંગું અને બહેરું બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આમાં સરકારે મધ્યસ્થી કરવી જોઈએ.
બળવો કરનાર ન્યાયમૂર્તિઓના નિર્ણયની સરાહના કરવી જોઈએ. હવે બળવો કરનાર જજ સામે તપાસ યોજાય એવી ઉજ્જવળ સંભાવના છે. જોકે, આ તપાસ નિષ્પક્ષ હોવી ઘટે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની આવતી કાલની શહેરની મુલાકાતના ટાઈમિંગ સામે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે જ્યારે સર્વોચ્ચ અદાલતમાં કટોકટી છે ત્યારે તેમને અહીં આવવાની શી જરૂર છે. ન્યાયતંત્રને મૂક અને બધીર બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું લોકો દેશ તરફની તેમની જવાબદારી અદા કરી રહ્યા છે. ફક્ત ચૂંટણી જીતવી એનો અર્થ વહીવટ ચલાવવો થતો નથી.
ભાજપના સાથી પક્ષ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને સવાલ કરાયો હતો કે શું હાલના શાસકોનાં દબાણ હેઠળ ન્યાયતંત્ર છે. ઉદ્ધવે કહ્યું હતું કે જજોના પત્રકાર પરિષદને સંબોધવાના નિર્ણયથી આંચકો લાગ્યો છે અને લોકો હવે એ સવાલ કરી રહ્યા છે કે અમારે ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખવો કે નહીં, સરકારે ન્યાયતંત્રમાં દરમિયાનગીરી ન કરવી જોઈએ. ન્યાયાલયોને તેમનું કામ કરવા દો.
ઉદ્ધવે લોયા મૃત્યુ પ્રકરણની તપાસ કરવાની માગણી કરી હતી. ખોટું કર્યું નથી તો ડર શેનો છે?

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer