ઉદવાડા ઉત્સવ વિશે પારસી સમુદાયમાં ભિન્ન મત


મુંબઈ, તા. 2 : દક્ષિણ ગુજરાતમાં ઉદવાડા ખાતે આવેલું ઝોરાષ્ટ્રીયન પારસીઓનું પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળ જે ઇરાનશાહ આતશ બહેરામનું વતન છે અને ત્યાં `ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ' ઊજવવાની તૈયારી થઈ રહી છે.
આ ઉજવણી બીજી વાર થઈ રહી છે. અગાઉ 2015માં પ્રથમવાર યોજાઈ હતી ત્યારે પારસીઓ તરફથી મોટો સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો પણ તે સાથે ટીકા પણ થઈ હતી. આ વર્ષે પણ નાના સમુદાયના કેટલાક પારસીઓ ઉજવણી બાબતે નાખુશ/નારાજ છે.
આ ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુને આમંત્રિત કરવાના છે તે નક્કી થાય તે અગાઉ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થવા માંડયો કે પારસીઓએ નાયડુને ઉજવણીમાં નહિ આવવાની વિનંતી કરવી જોઈએ કેમ કે તેમના આવવાથી અગિયારીનો અનાદર થયો કહેવાશે. મેસેજમાં નાયડુના ઇમેલ એડ્રેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.
મુંબઈના પારસી સમુદાયના અસ્પી દેબુએ કહ્યું હતું કે હજારો લોકો ઉદવાડાની ઉજવણીને મેળાનું સ્વરૂપ આપે છે અને આ પવિત્ર સ્થળને ગંદું કરી મૂકે છે. આ પવિત્રમાં પવિત્ર સ્થળ છે જ્યાં રાજાનો અગ્નિ મુકાયો છે, એમ જણાવતા તેમણે વધુમાં કહ્યું હતું કે પારસીઓએ જીવનકાળ દરમિયાન આ સ્થળની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. આ પવિત્ર સ્થળની ઉજવણીમાં સંગીત, નૃત્ય હોવું જોઈએ એવું મને જણાતું નથી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer