GSTમાં પાયાના ફેરફાર જરૂરી : રાહુલ

GSTમાં પાયાના ફેરફાર જરૂરી : રાહુલ


શક્તિશાળી ગુજરાતનો યોગ્ય ઉપયોગ થયો નથી, ગુજરાતના લોકો દુ:ખી



અમદાવાદ, તા. 11 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારાર્થે નવસર્જન યાત્રાનાં ચોથા તબક્કામાં ઉત્તર ગુજરાતનાં પ્રવાસે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ સરકારો પર આકરા પ્રહાર કર્યા હતો. તેમણે જીએસટી પર પાયાના ફેરફારો કરવા પર ભાર મૂકયો હતો. તેમણે જનતા માટે દરેક વસ્તુઓ પર એક જ ટેકસ રેટ હોવો જોઇએ, તેવી માંગ કરતા કહ્યું હતું કે, જીએસટી એ ગબ્બરસિંઘ ટેકસને બદલે સિમ્પલ ટેકસ અને સમગ્ર દેશમાં સિંગલ ટેકસ બને એ જનતાનાં હિતમાં હોવાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાત શકિતશાળી છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થયો નથી. તેથી હાલની પરિસ્થિતિમાં ગુજરાતના લોકો દુ:ખી છે.

રાહુલ ગાંધીએ અમદાવાદ એરપોર્ટ પર મિડીયા સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું કે, દેશને ગબ્બરસિંહ ટેક્સ નથી જોઇતો, દેશને જીએસટી જોઇએ છે. તેમણે જીએસટીનો અર્થ સમજાવતા કહ્યું કે, જીએસટી એટલે 18 ટકા ટેક્સ કેપ હોવો જોઇએ અને 5 રેટની જગ્યાએઁ એક જ ટેક્ષરેટ હોવા પર તેમણે ભાર આપ્યો હતો. જે જીએસટી ભાજપની સરકારે આપી છે, તેમાં પાયાનાં ફેરફાર કરવાની જરૂર છે. જો કે રાહુલ ગાંધીએ કેટલીક વસ્તુઓ પર સરકારે 28 ટકા ટેક્સને રદ કર્યો તેને આવકાર્યો હતો. 

રાહુલ ગાંધીએ ગુજરાત વિશે કહ્યું કે, ગુજરાત દુ:ખી છે. ગુજરાતના પૈસાને ફક્ત 5-10 ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. ખેડૂતોની મદદ નથી કરવામાં આવતી. સુરતના ઉદ્યોગપતિ ઓની વાત કરતા તેમણે કહ્યું કે, સરકાર નાના વેપારીઓને ભૂલી ગયા છે. વેપારીઓ તરફથી આંદોલન કરવા છતાં સરકાર તેમની વાત સાંભળી નથી રહી.

રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા ગાંધીનગરના સુપ્રસિદ્ધ અક્ષરધામની મુલાકાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ આનંદ સ્વરૂપ સ્વામી સાથે રહી અક્ષરધામ મંદિરની માહિતી મેળવી હતી અને ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા સમક્ષ શીશ નમાવી પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. રાહુલ ગાંધીએ સંતો સાથે વર્તમાન સામાજિક અને રાજકીય પ્રવાહો અંગે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી પ્રાંતિજ રોડ પર આવેલા ચંદ્રાલા ગામે કોન્વોય રોકીને લોકોની વચ્ચે બેસીને  હોટલ પર ચા-નાસ્તો કર્યો હતો. તેમણે ગરમ-ગરમ ચા અને ગોટાની લિજ્જત માણી હતી. તો સાથે જ તેમણે ફાફડા પણ ખાધા હતા.

આ બાદ રાહુલ ગાંધી રહેમાન અને આરૂષ નામના બે બાળકો સાથે મુલાકાત કરી હતી અને રાહુલ ગાંધીએ આ બાળકોને પોતાની તસવીર પર ઓટોગ્રાફ પણ આપ્યા હતા. 

ગાંધીનગરના ચિલોડા સર્કલ પર જીએસટીનો મુદ્દો ઉઠાવી રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, સત્તા પર આવીશું તો દરેક વસ્તુ પર માત્ર 18 ટકા એકજ ટેક્સ લઇશું. જનતાના દબાવને કારણે આખરે સરકાર જીએસટીમાં બદલાવ લાવવા મજબૂર બની છે.  જો સત્તા પર આવીશું તો મહિલાઓને લોકસભા, રાજ્યસભામાં અનામત આપીશું તેવો તેમણે વાયદો પણ કર્યો હતો. 

રાહુલ ગાંધીએ સુરતના વેપારીઓ અને કારીગરોને સરકાર કોઇ મદદ કરતી ન હોવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધી એ પોતાના સંબોધનમાં ફરી એક વખત સરકાર પાંચ-દશ ઉદ્યોગપતિઓના હિતમાં વિચારતી હોવાનો આરોપ લગાવ્યો અને તેને ગુજરાત કે કોંગ્રેસ સ્વીકારશે નહીં, તેમ કહ્યુ ંહતું. કોંગ્રેસની સરકાર રચાશે તો જીએસટીમાં ઘણા સુધારા કરાશે, તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું. 

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચિલોડામાં સંબોધન કરી છાલા પહોંચ્યા હતા. છાલા ખાતે પણ જીએસટી મુદ્દે સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જીએસટી પર 28 ટકા સ્લેબ નાબૂદ થાય તે માટે અમે સતત સરકાર પર દબાણ લાવીશું.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer