અૉસ્ટ્રેલિયા સામેની પહેલી ટી-ટ્વેન્ટી મૅચમાં ભારતની જીત

અૉસ્ટ્રેલિયા સામેની પહેલી ટી-ટ્વેન્ટી મૅચમાં ભારતની જીત

 
રાંચી, તા.7 : સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી અૉસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-ટ્વેન્ટી મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે. ટોસ જીતીને ભારતે અૉસ્ટ્રેલિયાને પહેલી બૅટિંગ આપી હતી અને 18.4 અૉવરમાં અૉસ્ટ્રેલિયાની ટીમે આઠ વિકેટે 118 રન કર્યા હતા ત્યારે વરસાદ થતાં મેચ અટકી હતી. અૉસ્ટ્રેલિયા વતી ઍરોન ફિંચે 30 બૉલમાં સર્વાધિક 42 રન કર્યા હતા જ્યારે ટીમ પેઇને અને ગ્લેન મેક્સવેલે 17-17 રન કર્યા હતા. આ સિવાય કોઇ અૉસ્ટ્રેલિયાનો બૅટ્સમેન બે આંકડાનો સ્કોર નોંધાવી નહોતો શક્યો. ભારત તરફથી બુમરા અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. 
વરસાદ બાદ ડક્વર્થ-લુઇસ સિસ્ટમ પ્રમાણે ટીમ ઇન્ડિયાને છ અૉવરમાં 48 રન કરવાનું લક્ષ્ય મળ્યું હતું. ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવનની અૉપનિંગ જોડી મેદાને પડી હતી. રોહિત સાત બૉલમાં 11 રને આઉટ થયાં બાદ કૅપ્ટન વિરાટ કોહલી અને શિખરે 5.3 અૉવરમાં 49 રન ફટકારીને ટીમને નવ વિકેટે જીત અપાવી હતી. વિરાટ 14 બૉલમાં 22 રને અને શિખર 12 બૉલમાં 15 રને અણનમ રહ્યાં હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer