ચોટીલા ઈન્ટરનેશનલ ઍરપોર્ટથી સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે

ચોટીલા ઈન્ટરનેશનલ ઍરપોર્ટથી સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે

 
રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, ખંભાળિયા, તા. 7 : દ્વારકા : આજે સવારે હવાઈ માર્ગે જામનગર એરપોર્ટ પહેંચ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા દ્વારકા ગયા હતા. જ્યાં કાળિયા ઠાકોરની પૂજા-અર્ચના કરી હતી. તેમને સુવર્ણ દંડ પણ પૂજા માટે આપવામાં આવ્યો હતો. પૂજા કર્યા બાદ વડાપ્રધાન મોદી સમારોહ સ્થળે પહેંચ્યા હતા જ્યાં 962.43 કરોડના ખર્ચે બનનારા 4.56 કિ.મી. લાંબા બેટદ્વારકા-ઓખાને જોડતા કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ખાતમુહૂર્ત કર્યું હતું અને 1970 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 93.પ0 કિ.મી.ના ઓખા-સોમનાથ હાઈવે તથા ગડુ-પોરબંદર રોડનું પણ ભૂમિપૂજન કર્યું હતું. આ અવસરે જનમેદનીને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઓખાથી બેટ જવા માટે રાત્રીના સમયે વધારે તકલીફ પડતી હતી અને આ બ્રિજ બન્યા બાદ એ તકલીફ દૂર થઈ જશે. આ બ્રિજ એ પ્રવાસન ક્ષેત્રના વિકાસનું અગ્રીમ પગથિયું છે. તેમણે કહ્યું કે, જીએસટીથી લોકોની પરેશાની વધી હતી પણ હવે જીએસટીનું સરળીકરણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યંy કે, બંદર, રોડ, રેલવે, હવાઈસેવા, કોલ્ડસ્ટોરેજ વગેરેના વિકાસ થકી ખેડૂતોની ખેતપેદાશ ખૂણેખૂણે પહેંચાડવી છે.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્ર સાર્થક થઈ રહ્યું છે. જીએસટીમાં સરળીકરણથી ગુજરાતના વેપારીઓ અને નિકાસકારોને લાભ થશે. કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે, ઓખા-બેટદ્વારકા બ્રિજ અને રોડ નેટવર્કના પ્રોજેક્ટથી આ વિસ્તારનો વિકાસ ઝડપથી વધશે. નીતિન ગડકરીએ ગુજરાતમાં 1 લાખ કિલોમીટરના માર્ગ નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરી હતી. દ્વારકાની સેવાભાવી સંસ્થાઓએ 1 કરોડ 51 લાખની રકમનો ચેક વડાપ્રધાનને સહાય માટે અર્પણ કર્યો હતો.
દ્વારકાની આ સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ ચીમનભાઈ સાપરિયા, જયેશભાઈ રાદડિયા, જસાભાઈ બારડ, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ચુનીભાઈ ગોહિલ, રાજેશ ચુડાસમા, ધારાસભ્ય પબુભા માણેક, નેશનલ હાઈવે ઓથોરિટીના અધ્યક્ષ દીપકકુમાર, કલેક્ટર જે.આર.ડોડિયા, ડીડીઓ આર.આર. રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
 ચોટીલા : પાંચાળની ભૂમિમાં પાંચ પ્રકલ્પોના ભૂમિપૂજન અને લોકાર્પણ માટે ચોટીલા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે આવી પહેંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ રાજકોટ નજીકના હીરાસરમાં બનનારા ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથેસાથે રાજકોટ-અમદાવાદ હાઈવેને સિક્સ લેન કરવાનું તેમજ રાજકોટ-મોરબી હાઈવેને ફોર લેન કરવાનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથેસાથે સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું અને સુરેન્દ્રનગર શહેરને ચાર ઝોનમાં પાણી મળવાની વ્યવસ્થાનું પણ લોકાર્પણ કર્યું હતું.આ પ્રકલ્પો સંદર્ભે યોજાયેલા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચોટીલાએ ક્યારેય વિચાર્યું નહોતું કે અહીંયા એરપોર્ટ આવશે. ગરીબોને ઘર આપવું હોય તો પણ વિકાસ જરૂરી છે. વિકાસ વગર કાંઈ સંભવ નથી. વિકાસ પહેલાં પણ હતો. અગાઉ શેરીના નાકે ડંકી નાખી હોય તો પણ વિકાસનું કામ કહેવાતું. આવા કામ કરીને મત માગવામાં આવતા હતા. હવે વિકાસની વ્યાખ્યા બદલાઈ છે. આજે નર્મદાની પાઈપલાઈનનું નેટવર્ક પાથરીને ઘરેઘરે પાણી પહેંચાડાઈ રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે, નર્મદાના નીરના કારણે જો કોઈ જિલ્લાને સૌથી વધારે ફાયદો થયો હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લો છે. નર્મદાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ થશે. રોજગારીની તકો વધશે, અને ઈન્ટરનેશનલ એરપોર્ટના કારણે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા વચ્ચે વિકાસની તંદુરસ્ત હરીફાઈ થશે. ઈન્ટરનેશનલ એરપોર્ટ એ ભારત સરકારનું મહત્ત્વપૂર્ણ પગલું છે.
તેમણે કહ્યું કે, દેશમાં એવીએશન ક્ષેત્રે વિકાસ થયો છે. હવાઈ યાત્રીઓની સંખ્યામાં 14 ટકાનો વધારો થયો છે. મારી સરકારની નેમ છે કે આગામી દિવસોમાં એક રાજ્યમાં દસથી વીસ હવાઈ મથક હોય. રાજકોટના નવા એરપોર્ટ માટે જે જમીન છે તેમાંથી 4 ટકા જ જમીન ખેડૂતો પાસેથી લીધી છે. બાકીની 96 ટકા જમીન સરકારી બંજર જમીન છે. તેમણે સુરસાગર ડેરીના પ્લાન્ટને મહત્ત્વનો પ્રોજેક્ટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટથી આ વિસ્તારમાં પશુપાલન વધશે. એક સમયે રાજકોટ-અમદાવાદ રોડ અકસ્માતો માટે વગોવાયેલો હતો. ફોરલેન પછી અકસ્માતો ઓછા થયા છે અને હવે સિક્સલેન બનતાં કચ્છ સુધીના ઔદ્યોગિક એકમોનો વિકાસ થશે. વિકાસ માટે રસ્તા અનિવાર્ય છે. વડાપ્રધાને સુરેન્દ્રનગર વિસ્તારના ખેડૂતોને ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુ પસાપતિએ વકતવ્યમાં કહ્યું કે, પ્રાદેશિક એર કનેક્ટિવીટી પ્રોજેક્ટ ઊડાન શરૂ થતાં હવાઈ માર્ગે આંતર-શહેર જોડાણ લીંકઅપ થઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં 30 નવા એરપોર્ટ બન્યા છે અને બીજા 128 હવાઈ મથકોને મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં સુરત, ભાવનગર, મુંદ્રા, મીઠાપુર, જામનગર સહિતના શહેરો એકબીજા સાથે હવાઈ માર્ગે જોડાઈ જશે. જેનાથી વેપાર-ઉદ્યોગને વેગ મળશે. રાજકોટનું ઈન્ટરનેશલ એરપોર્ટ 1405 કરોડના ખર્ચે 2500 એકર જમીનમાં બનશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વકતવ્યમાં જણાવ્યું કે, વડાપ્રધાનના આ દોઢ દિવસના પ્રવાસમાં ગુજરાતને 10 હજાર કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવાથી ગુજરાતના વિકાસને ગતિ મળી છે. વિકાસ એ અમારા માટે મજાક નહીં પણ મિજાજ છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ, મંત્રીઓ આત્મારામભાઈ પરમાર, બાબુભાઈ બોખીરિયા, જયંતીભાઈ કવાડિયા, જયદ્રથસિંહ પરમાર, શામજીભાઈ ચૌહાણ, સાંસદ શંકરભાઈ વેગડ, દેવજીભાઈ ફતેપરા, મોહનભાઈ કુડારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer