દિગ્દર્શક-લેખક કુન્દન શાહનું નિધન

દિગ્દર્શક-લેખક કુન્દન શાહનું નિધન
`જાને ભી દો યારોં', `નુક્કડ' જેવા સર્જનથી ઓળખ ધરાવતા દિગ્દર્શકે નીંદરમાં જ દુનિયા છોડી
 
 
મુંબઈ, તા. 7 : `જાને ભી દો યારોં' ફિલ્મથી અલગ ઓળખ ધરાવતા ફિલ્મ નિર્દેશક અને લેખક કુન્દન શાહનું આજે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેઓ 69 વર્ષના હતા. શાહના એક સંબંધીએ જણાવ્યું હતું કે, નીંદરમાં જ સવારે તેમનું નિધન થયું હતું. શાહના મૃત્યુના સમાચારથી બોલીવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને અનેક જાણીતા કલાકારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને અંજલિ આપી હતી.
19 ઓક્ટોબર,1947ના જન્મેલા કુન્દન શાહે ફિલ્મ અને ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયામાંથી નિર્દેશનનું શિક્ષણ મેળવ્યા બાદ હાસ્યપ્રધાન ફિલ્મ `જાને ભી દો યારોં'થી 1983માં પોતાની ફિલ્મી કારકિર્દીનો આરંભ કર્યો હતો. આ ફિલ્મના તેઓ સહાયક પટકથા લેખક પણ હતા. વ્યંગ્યાત્મક પ્રહારો માટે આ ફિલ્મ આજે પણ જાણીતી છે.
શાહ તે પછી ટેલિવિઝન તરફ વળ્યા હતા અને ત્યાં તેમણે `યે જો હૈ જિંદગી'થી શરૂઆત કરી હતી. એ પછી તેમણે   `નુક્કડ' (1986), `મનોરંજન' (1987) અને આર.કે. લક્ષ્મણના કાર્ટૂન આમઆદમી આધારિત `વાઘલે કી દુનિયા' (1988) જેવી યાદગાર સિરિયલો બનાવીને નામ ઊભું કર્યું હતું.
અનેક ટીવી સિરિયલ બનાવ્યા બાદ શાહે સિનેમાથી સાત વર્ષનો બ્રેક લીધો હતો.
1993માં મોટા પરદે પુનરાગમન કરતાં તેમણે `કભી હાં કભી ના' બનાવી હતી. આ ફિલ્મની પટકથા પણ તેમણે લખી હતી. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેયર પુરસ્કાર પણ મળ્યો હતો. તે પછી 1998માં તેમણે બનાવેલી `ક્યા કહેના' પણ હિટ રહી હતી.
તે પછી જો કે તેમણે બનાવેલી તમામ ફિલ્મો `હમ તો મહોબ્બત કરેગા', 'દિલ હૈ તુમ્હારા', `એક સે બઢકર એક' અને 2014માં તેમની છેલ્લી ફિલ્મ `પી સે પીએમ તક' ખાસ જાદુ જગાવી શકી ન હતી. શાહે શાહરુખ ખાન સહિત અનેક કલાકારોને સફળ બ્રેક આપ્યો હતો અને અનેક કલાકારો બોલીવૂડને આપ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer