જીએસટીમાં ફેરફાર બતાડે છે કે અહંકારી સરકારને લોકોએ ઝુકાવી : ઉદ્ધવ ઠાકરે

જીએસટીમાં ફેરફાર બતાડે છે કે અહંકારી સરકારને લોકોએ ઝુકાવી : ઉદ્ધવ ઠાકરે
આ કોઈ દિવાળી ગિફ્ટ નથી, સરકાર લોકોના ખિસ્સામાંથી લક્ષ્મી લઈ રહી છે
 
 
મુંબઈ, તા. 7 : અહંકારી સરકારને લોકોએ ઝુકાવી છે, જીએસટીમાં ફેરફારથી દેશમાં 15 દિવસ પહેલાં દિવાળી આવવાના નરેન્દ્ર મોદીના નિવેદન પર શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નિશાન સાધતા કહ્યું હતું કે જીએસટીમાં ફેરફાર દિવાળી ગિફ્ટ નથી. સરકારે હજુ આવાં ઘણાં પગલાં ઉઠાવવાની જરૂર છે. સરકારનો આ નિર્ણય વિપક્ષ અને લોકો વચ્ચે નારાજગીનું પરિણામ છે. મોદીએ આજે દ્વારકામાં કહ્યું કે, `મેં આજે છાપામાં હેડલાઇન વાંચી કે જીએસટીમાં ફેરફાર પછી દેશમાં પખવાડિયા અગાઉ દિવાળી આવી ગઈ.'
પત્રકાર પરિષદને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ઘણી ચીજોના ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાના નિર્ણયનો સ્વાગત કરું છું. પરંતુ `લોકો હજુ ખુશ નથી. પેટ્રોલની કિંમત વધારે છે, મોંઘવારી સતત વધી રહી છે. હું અર્થશાત્રી નથી કે કાલની જાહેરાત કરું. પરંતુ અગાઉની સરકાર તેમના નિર્ણયો પર ટકી રહેતી હતી. આખરી નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. અમે અહીંયા લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ અને એ કરતા રહીશું.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, `વિપક્ષનું કહેવું છે કે જીએસટીમાં કાપ મૂકવાનો નિર્ણય ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, પરંતુ આપણે સામાન્ય જનતાને અભિનંદન આપવા જોઈએ.'
અમે જીએસટી હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફારને દિવાળી ગિફ્ટ નથી માનતા. લક્ષ્મીપૂજન લોકો માટે મોટો સવાલ હોઈ શકે છે, જ્યારે સરકાર લોકોના ખિસ્સામાંથી લક્ષ્મી લઈ રહી છે. સોશિયલ મીડિયા પર જીએસટી અને અન્ય ટેક્સની મજાક ઉડાવવામાં આવી રહી છે. લોકો આ ટેક્સથી નારાજ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 2 દિવસના ગુજરાત પ્રવાસ પર જામનગરથી દ્વારકા પહોંચ્યા. તેમણે નેશનલ હાઇવે-51 ઉપર બેટ દ્વારકા અને ઓખાની વચ્ચે પ્રસ્તાવિત પુલની આધારશિલા રાખી. આ પ્રસંગે તેમણે કહ્યું `મેં આજે છાપામાં હેડલાઇન જોઈ કે જીએસટીમાં ફેરફાર પછી દેશમાં પહેલીવાર 15 દિવસ પહેલાં જ દિવાળી આવી ગઈ. અમે પહેલાં જ કહ્યું હતું કે જીએસટી લાગુ કર્યા પછી 3 મહિના સુધી અમે તેનો અભ્યાસ કરીશું. તેના પછી જે પણ મુશ્કેલીઓ આવશે, અમે તેમાં ફેરફાર કરીશું. કાલે નાણાપ્રધાને જે ફેરફાર કર્યા તે આવકારપાત્ર છે.
મહારાષ્ટ્રને અંધકારમાં ધકેલનારાઓ હવે દીવા પ્રકટાવો
નવી સરકાર આવ્યા બાદ મહારાષ્ટ્રમાં શું બદલાયું? વિકાસ...વિકાસ...ની બૂમરાણો મચાવી પણ વિકાસ ક્યાંય નજરે નથી પડતો, તેથી જ તો મહારાષ્ટ્રમાં વીજકાપ લાદવામાં નથી આવ્યો ને? એવો જોરદાર ટોણો શિવસેનાએ રાજ્ય સરકારને માર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનાના અગ્રલેખમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને અંધકારમાં ધકેલનારાઓ હવે દીવા પ્રકટાવો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer