જીએસટી પર રાહુલનો મોદી પર વાર : ગુજરાતમાં 30 લાખ યુવાએ નોકરી ગુમાવી

જીએસટી પર રાહુલનો મોદી પર વાર : ગુજરાતમાં 30 લાખ યુવાએ નોકરી ગુમાવી

મંડી (હિમાચલપ્રદેશ), તા.7: જીએસટીમાં વ્યાપારીઓને આપવામાં આવેલી રાહત અંગે ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કરેલા ઉલ્લેખની થોડી વાર બાદ જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના પર નિશાન સાધીને પ્રહારો કર્યા હતા. આજે હિમાચલના મંડીમાં એક જનસભાને સંબોધતાં તેમણે કહ્યું કે ઉતાવળે જીએસટી લાગુ કરવાને કારણે લોકોને પોતાની નોકરીઓ ગુમાવવી પડી છે. રાહુલે કટાક્ષ કરતાં મોદી અને એક પત્રકાર વચ્ચે થયેલી કથિત વાતચીતનો એક કિસ્સો ટાંકીને પણ હુમલો બોલ્યો હતો.
રાહુલે કહ્યું કે ગુજરાતમાં જીએસટીના કારણે 30 લાખ યુવક-યુવતીઓને પોતાની નોકરીમાંથી હાથ ધોવા પડયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે એનડીએ સરકારની આર્થિક નીતિઓથી બેરોજગારી વધી છે. રાહુલ અનુસાર એકલા ગુજરાતમાં 50 લાખ બેરોજગાર છે.
રાહુલે એક પત્રકાર-મોદી વચ્ચેની વાતચીતનો કિસ્સો સંભળાવીને અલગ અંદાજમાં પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે એક પત્રકારે મોદીને તેમની પહાડોની યાત્રાઓ વિશે સવાલ કર્યો તો મોદીએ જણાવ્યું કે મને પહાડો બહુ ગમે છે. પત્રકારે પૂછ્યું કે પહાડો પર તમે ક્યાં-ક્યાં ગયા છો? પીએમે જવાબ આપ્યો કે હું અનેક પહાડો ઘૂમી ચૂક્યો છું. પચ્ચીસ હજાર ફૂટ સુધીની ઉંચાઈના પહાડો પણ ઘૂમી ચૂક્યો છું. રાહુલે આટલું કહેતાં જ જનસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. બાદમાં રાહુલે કહ્યું કે ભારતમાં એકમાત્ર કાંચનજંઘા પહાડ છે જેની ઉંચાઈ 25000 ફૂટની નજીક છે. આપણા પીએમ માત્ર ચંપલ પહેરીને કાંચનજંઘા ઘૂમી આવ્યા છે. સચ્ચાઈ તો એ છે કે પીએમ ચંપલ પહેરીને નહીં પરંતુ જૂતા પહેરીને હિમાચલના વિસ્તારોમાં ઘૂમ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer