નવી હજ નીતિમાં સબસિડી દૂર કરવાનો પ્રસ્તાવ

નવી હજ નીતિમાં સબસિડી દૂર કરવાનો પ્રસ્તાવ
45 વર્ષથી વધુ વયની મહિલાઓ મેહર વિના પણ હજ યાત્રા કરી શકશે, સમિતિનો અહેવાલ
 
 
મુંબઈ/નવી દિલ્હી, તા.7 : કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રાલયે ભારત સરકારની હાલની હજ નીતિ, અંતર્ગત વર્ષ 2013થી 17ના પાંચ વર્ષની સમીક્ષા અને આગામી પાંચ વર્ષ 2018થી 22 સુધીની હજ નીતિમાં ફેરફારો સૂચવવા માટે વિશેષ સમિતિ નીમી હતી. આ સમિતિએ આજે કેન્દ્રના લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીને મુંબઈમાં આ સંબંધી અહેવાલ સુપરત કર્યો હતો.
આગામી પાંચ વર્ષ માટેની નવી હજ નીતિમાં સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરતા સબસિડીની વ્યવસ્થા દૂર કરવા અને 45 વર્ષથી વધુ ઉમરની મહિલાઓને મેહરમ વિના પણ હજ ઉપર જવાની છૂટ આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 2018-22માં હજ યાત્રીઓને સમુદ્રના માર્ગે મોકલવાના વિકલ્પ ઉપર કામ કરવાની પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, નવી નીતિમાં હજ યાત્રીઓના પ્રસ્થાનના સ્થાનો 21થી ઘટાડીને 9 કરવામાં આવે. જેમાં દિલ્હી, લખનઉ, કલકત્તા, અમદાવાદ, મુંબઈ, ચૈન્નઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને કોચિથી લોકો હજ માટે પ્રસ્થાન કરી શકશે. તેમજ આ જગ્યાએ હજ ભવનોનું નિર્માણ અને દૂરના વિસ્તારો સાથે હજ ભવનોનો સંપર્ક વધુ મજબૂત કરવા પણ કહેવામાં આવ્યું છે. આ સાથે દરિયાઈ માર્ગ માટે સાઉદી સરકાર સાથે ચર્ચા વિચારણા અને આ મુસાફરી કરાવવા ઈચ્છુક કંપનીઓ માટે વિજ્ઞાપન આપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હજ નીતિ તૈયાર કરવા માટે બનાવાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને રિપોર્ટ સુપ્રત કર્યો હતો. નવી હજ નીતિને 2012ના સુપ્રીમ કોર્ટના આદેશો પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. 
આ ઉપરાંત 45 વર્ષથી વધુ વયની મહિલાઓ મેહરમ વિના હજ ઉપર જઈ શકશે, જો કે તેઓ ચાર મહિલાઓના સમૂહમાં હજ કરી શકશે. વધુમાં મેહરમ માટેની સંખ્યા 200થી વધારીને 500 કરવા સૂચન કરવામાં આવ્યું છે. હજ નીતિ હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હજ કોટાને અલ્પસંખ્યકોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવશે તેમજ કાશ્મીર માટેના કોટાને 1500થી વધારીને 2000 કરવા પણ સુચન કરાયું છે. નવી હજ નીતિ તૈયાર કરનારી સમિતિમાં સેવાનિવૃત આઈએએસ અફઝલ અમાનુલ્લાહ, પૂર્વ ન્યાયાધિશ એસ.એસ. પાર્કર, ભારતીય હજ સમિતિના પૂર્વ અધ્યક્ષ કૈસર શમિમ અને ઈસ્લામી જાણકાર કમાલ ફારકી સભ્ય હતા.મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, 2018માં હજ નવી હજ નીતિ મુજબ થશે અને નવી નીતિ પારદર્શક તેમજ જનતાને અનુકૂળ રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer