જીએસટીમાં થોકબંધ રાહત પછી પણ કાપડઉદ્યોગ માટે હરખાવા જેવું કશું નથી

વેપારીઓ કાળી દિવાળી મનાવવા અડગ


 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 7 : જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાપ્રધાને કરેલી થોકબંધ જાહેરાતોમાં કાપડઉદ્યોગ માટે કોઈ મોટી રાહત નથી. સુરતનાં કાપડઉદ્યોગની મહત્વની એકપણ માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી એવી પ્રતિક્રિયા કાપડબજારના અગ્રણીઓએ વ્યક્ત કરી હતી. સુરતનાં કાપડઉદ્યોગકારો સરકારની નીતિઓથી ખાસ્સા નિરાશ અને નારાજ થયા છે. વેપારીઓ પણ કાળી દિવાળી ઊજવવા અડગ છે.  જીએસટી કાઉન્સીલની બેઠકમાં જરીનાં જોબવર્ક પરની 18 ટકા ડયુટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે જે જરી ઉદ્યોગને આવકાર્ય છે. તો બીજી તરફ મેન-મેઈડ ફાઈબર પરની ડયુટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવી છે જેની માગ પાંચ ટકા હતી. વિવર્સ આલમ નાણાપ્રધાનની આ જાહેરાતથી ખુશ નથી. જ્યારે સુરતનાં કાપડનાં વેપારીઓએ રિર્ટન ભરવાની ટર્નઓવરની મર્યાદાની માગ રૂા. પ કરોડ કરી હતી જે સરકારે દોઢ કરોડ સુધી કરી છે. ઉપરાંત રિવર્સ મિકેનીઝમ ચાર્જ(આરએમસી)ને હટાવવાને બદલે માર્ચ 2018 સુધી લઈ જવાની જોગવાઈ કરવામાં આવી છે. 
દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસીએશનનાં પ્રમુખ જીતેન્દ્રભાઈ વખારિયા કહે છે કે, સરકાર જે પ્રમાણે કોટનને પ્રોત્સાહન આપે છે તે પ્રમાણે ગરીબોનું કાપડ એવાં પોલીસ્ટરને પ્રોત્સાહન આપતી નથી. સરકારની બેવડી રણનીતિનાં કારણે અત્યારે સુરતનાં કાપડઉદ્યોગને મરણતોલ ફટકો પહોંચ્યો છે. મેન-મેઈડ ફાઈબર ઉપરની ડયુટી ઘટાડીને પાંચ ટકા કરવાની માગ અમારી હતી. જેને સરકારે 12 ટકા કરી છે. કાપડઉદ્યોગનો નિરાશાનો માહોલ સરકારનાં આ પ્રકારનાં વ્યવહાર અને નીતિથી દૂર થશે નહિ. 
ફોસ્ટા(ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસીએશન)નાં પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, કાપડનાં વેપારીઓ માટે કોઈ હકારાત્મક જાહેરાત ગઈકાલની બેઠકમાં કરવામાં આવી નથી. અમે સરકાર પાસે સરળીકરણની માગ કરી હતી. આ માટેનાં એકપણ પગલાં લેવાયા નથી. સુરતમાં 90 ટકા કાપડનાં વેપારીઓનું ટર્નઓવર દોઢ કરોડથી વધારે છે તેમાં આરએમસીની મર્યાદા વધારવાનો લાભ કોઈપણ વેપારી લઈ શકે તેમ નથી. આરએમસીને લઈને સરકારની બેવડી નીતિ છતી થાય છે.  આ વખતે સુરતનાં કાપડનાં વેપારીઓએ પહેલી વખત દિવાળીમાં માર્કેટોમાં રોશની નહિ કરવાનો નિર્ણય કર્યો છે જેને ફોસ્ટાની આગામી બેઠકમાં બહાલી આપવામાં આવશે.
કાપડ ઉદ્યોગને ખાસ રાહત નથી : દેવકિશન મંઘાણી
પૂર્વ પ્રમુખ - ફોસ્ટા
કાપડ ઉદ્યોગની મંદી સરકારના આજના એકાદ-બે નિર્ણયથી દૂર થાય તેમ નથી. સુરત કાપડ ઉદ્યોગની એક પણ પડતર માગણીઓને ધ્યાને લેવામાં આવી નથી. રાહત સ્વરૂપે જે એકાદ-બે બાબતનો ઉલ્લેખ નાણાપ્રધાને કર્યો છે તેનો કોઈ સીધો ફાયદો ઉદ્યોગને થાય તેમ નથી. એક લાઈનમાં કહીએ તો જીએસટી કાઉન્સીલની આજની બેઠકથી સુરતનો કાપડ ઉદ્યોગ માત્ર 8 થી 10 ટકા સંતુષ્ટ થયો છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer