અમદાવાદના દરિયાપુરમાંથી 15 દેશી બૉમ્બ મળતાં મચી દોડધામ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.7: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ જ દિવાળીની તહેવારને પણ હવે ગણતરીના દિવસો જ બાકી છે તેવા સમયે ભાંગફોડિયા તત્વો શહેરના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં 15 દેશી બૉમ્બને કચરા પેટીમાં મૂકીને ફરાર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહેલ સર્જાયો છે. દરિયાપુર વિસ્તારમાં આવેલી તંબુ પોલીસ ચોકીની પાછળ કચરાપેટીમાંથી વહેલી સવારે સફાઇ કામદારને બૉમ્બ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવને પગલે દરિયાપુર પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને બૉમ્બ વિરોધી દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દરિયાપુર વિસ્તારમાં આવેલી તંબુ પોલીસચોકીની પાછળના ભાગે સવારે સફાઇ કરવા આવેલ મહિલા કામદારની નજર પડી કે કચરા પેટીમાં તંબાકુના ડબ્બાઓ પડયા છે. તેણે ધ્યાનથી જોતા તેને ખ્યાલ આવી ગયો કે તે દેશી પ્રકારના બૉમ્બ છે એટલે તેણે તરત જ તંબુ ચોકીમાં હાજર પોલીસ અધિકારીને જાણ કરતા સિનિયર પોલીસ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા. સ્થળ ઉપર આવેલા બૉમ્બ વિરોધી દળે બૉમ્બની તપાસ કરતા તેમાંથી કાચના ટુકડા-ખિલ્લીઓ, છરા અને સ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. જોકે, સ્ફોટક પદાર્થ કઇ ક્ષમતાનો હતો તેની જાણકારી ફોરેન્સીક તપાસ બાદ જાણવા મળશે. જોકે, અમદાવાદના દરિયાપુરમાં 15 દેશી બૉમ્બ મળી આવ્યાના સમાચારને કારણે શહેરમાં ફરી કંઇક બનશે તેવા તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.
અમદાવાદમાં બૉમ્બ મળવાની ઘટના લાંબા સમય બાદની છે. અગાઉ રથયાત્રા અને ચૂંટણી પહેલા આ પ્રકારના બોમ્બ મળવા, તોફાન થવા અને એન્કાઉન્ટરની ઘટનો ઘટતી હતી. જેના કારણે તેની સીધી અસર ચૂંટણીના પરિણામો ઉપર થતી હતી. પરંતુ તેવી ઘટનાઓએ વિરામ લીધો હતો. હવે આગામી ડિસેમ્બરમાં ચૂંટણી આવી રહી છે ત્યારે બૉમ્બ કોણ અને શું કામ મુકી ગયું તેની પાલીસ તપાસમાં જ ખબર પડશે. હાલ તો પ્રાથમિક તબક્કે સંવેદનશીલ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ આચરીને કોમી જૂથ અથડામણ કરાવવાનું કાવતરું ઘડીને આ બૉમ્બ મુકાયા હોય તેવું લાગી રહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer