રદ થયેલી બે લાખ શેલ કંપની પૈકી 5800ના વ્યવહારની ચોંકાવનારી વિગતો

એકના 2134 ખાતાં હતાં, એકના 915 ખાતાં હતાં !
 
 
નવી દિલ્હી, તા. 7:  શેલ કંપનીઓ વાટે કાળું નાણું ઠેકાણે પાડનારાઓ બાબતે એક મોટો ઘટસ્ફોટ થયો છે: નોટબંધી બાદ વિભિન્ન બેન્ક ખાતાંઓમાં અવૈધ લેવડદેવડ થયાની જાણકારી તેર બેન્કોએ આપ્યાનું સરકાર જણાવે છે. કાળા નાણાં ધોળા કરતી બે લાખ જેટલી શેલ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરાયાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના એક કાર્યક્રમમાં જણાવ્યુ હતું
સરકાર તરફથી જણાવાયુ છે કે 2,09,032 સંદિગ્ધ કંપનીઓનું રજિસ્ટ્રેશન રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે રદ કર્યુ છે, જેમાંની 5,800  શેલ કંપનીના બેન્ક વ્યવહારોની જાણકારી મળી ગઈ છે.  તેર બેન્કોએ આ કંપનીઓ પૈકી એકસોથી વધુ શેલ કંપનીઓના 13,140 ખાતાંઓ વિશે સરકારને આપેલી જાણકારીમાં ચોંકાવતી બાબતો બહાર આવી છે:  આ પૈકીની ગોલ્ડ સુખ ટ્રેડ ઈન્ડિયા લિ.(પીએએન એએસીસી3354કે)ના 2134 ખાતાં છે ! તો અશ્વની વનસ્પતિ ઈન્ડિયા પ્રા. લિ. કંપનીના 91પ ખાતાં હોવાનું ખૂલ્યું છે. અનુજય એકઝામ પ્રા. લિ. નામક કંપનીએ 313 ખાતાં ધરાવતી હતી, તેમાંના દોઢસોથી વધુ એવા ખાતાં એ મળી આવ્યા છે જેમાં કાળું નાણું ધોળું કરવાના કરતૂતો થતા આવ્યા હતા.
આ શેલ કંપનીઓના બેન્ક ખાતાંઓમાં 16ની 8 નવેમ્બર સુધી શૂન્ય બેલેન્સ હતી અથવા બેહદ ઓછી રકમ હતી. સરકારી આંકડાં મુજબ આ શેલ કંપનીઓના 13,140 બેન્ક ખાતાંમાં રૂ. 4,573.87 કરોડ જમા કરાયા હતા સાથે જ થોડા દિવસમાં આ ખાતાંઓમાંથી રૂ. 4,552 કરોડ ઉપાડાયા હતાં. હવે આ શેલ કંપનીઓના 13,140 ખાતાંઓમાં ખાતા દીઠ આશરે રૂ. 16,741 જ રહેલા છે!     

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer