અમેરિકાને પાકિસ્તાન પર ભરોસો રહ્યો નથી : એક્સપર્ટ

વોશિંગ્ટન, તા.7 : પાકિસ્તાન સામે અમેરિકાના તાજેતરના નિવેદનોને જોતાં એ વાત સાફ બની છે કે હવે અમેરિકા-પાકિસ્તાનના સંબંધો ગંભીર સંકટમાં છે. અમેરિકાની એક મુખ્ય થિન્ક ટેન્કના વિશેષજ્ઞે પણ એ સ્વીકાર્યું હતું કે અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર સંકટ છે અને બંને દેશ વચ્ચે અવિશ્વાસ બેવડાયો છે. ઉલ્લેખનીય છે કે હજુ એક દિવસ પહેલાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પોતાનો ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ સમાપ્ત કર્યો હતો. અમેરિકી થિંક ટેન્ક યુનાઈટેડ ઈન્સ્ટિટયૂટ ઓફ પીસમાં પાકિસ્તાન અંગેના વરિષ્ઠ વિશેષજ્ઞ મોઈદ યુસુફે કહ્યું કે ઈસ્લામાબાદ અને વોશિંગ્ટન એક-બીજા સામે શંકાસ્પદ નજરે જોતા થઈ ગયા છે. 
યુસુફે કહ્યું કે મને લાગે છે કે સંબંધો ગંભીર સંકટમાં છે. તેમની આ ટિપ્પણી પાકિસ્તાની વિદેશમંત્રી ખ્વાજા આસિફની ગઈકાલે પૂરી થયેલી ત્રણ દિવસની અમેરિકા યાત્રાની તુરત બાદ આવી છે. પોતાની યાત્રા દરમ્યાન આસિફે વિદેશમંત્રી રૈક્સ ટિલરસન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચ.આર. મૈક્માસ્ટરથી મુલાકાતો કરી હતી.
આસિફને જ્યારે તેમની યાત્રામાંથી શું પરત લઈને જઈ રહ્યા છે ત્યારે  તેમણે જણાવ્યું હતું કે કાંઈ અસાધારણ નહીં. વિદેશમંત્રી સાથેની મુલાકાત ઘણી સારી રહી હતી. મૈક્માસ્ટરથી મુલાકાત વખતે હું થોડો સતર્ક હતો. મને લાગે છે કે અમારે ચર્ચા અને વિચારોના આદાન-પ્રદાનના રૂપમાં સંપર્કના આ વલણને બરકરાર રાખવાની જરૂર છે. અમેરિકા-પાકિસ્તાન સંબંધોના વિશેષજ્ઞ યુસુફે કહ્યું કે અહીં અસલી મુદ્દો અવિશ્વાસનો છે. તેમણે કહ્યું કે અવિશ્વાસ એટલો ઉંડો છે કે બંને પક્ષો માટે તેમાંથી બહાર આવીને ભરોસો કાયમ રહી શકે તેવી પદ્ધતિને તલાશવું અઘરું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer