`ડોકલામમાં યથાસ્થિતિ જ જળવાયેલી છે''

માર્ગ નિર્માણ અને ચીની  સૈનિકોની હાજરી મામલે  આવતા હેવાલોને સરકારે નકાર્યા


 
નવી દિલ્હી, તા. 7 : ડોકલામમાં ચીન દ્વારા માર્ગ વિસ્તૃતિકરણ અને ચીની સૈનિકોની હાજરીથી જોડાયેલા હેવાલોને કેન્દ્ર સરકારે નકારી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ડોકલામમાં જ્યાં ભારત અને ચીનની સેના આમને સામને હતી ત્યાં કોઈ નવી ગતિવિધિ નથી થઈ. મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, 28મી ઓગસ્ટ પછી અહીં યથાસ્થિતિ જળવાયેલી છે. મંત્રાલયે અહીં ચીની સૈનિકોની હાજરી સંબંધે આવેલા સમાચારોને નિરાધાર કહ્યા છે. વિદેશ મંત્રાલયે પોતાના ટૂંકા નિવેદનમાં કહ્યું કે `ક્ષેત્રમાં યથાસ્થિતિ જળવાયેલી છે.' આનાથી ઊલટું કોઈપણ દાવો સાચો નથી. મંત્રાલયે હાલમાં ડોકલામ મામલે આવેલા સમાચારો પર પ્રતિક્રિયા આપી હતી.
માધ્યમોમાં આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે ડોકલામની નજીક મોટી સંખ્યામાં ચીની સૈનિકો પહોંચી ગયા છે. જે જગ્યાએ માર્ગ બનાવવાને લઈને ભારતની સાથે ચીનનો વિવાદ થયો હતો ત્યાંથી લગભગ 12 કિ.મી.ના અંતરે તેઓએ પોતાના માર્ગ વિસ્તૃતિકરણનું કામ શરૂ કરી દીધું હતું. ડોકલામમાં ભારત અને ચીનના લશ્કર વચ્ચે 16 જૂનથી 73 દિવસો સુધી તનાવની સ્થિતિ જારી રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer