પેટ્રોલ ડીલર્સ ઍસો.ની 13 અૉક્ટોબરે પ્રતીક હડતાળ

54 હજાર પેટ્રોલ પંપ બંધ રહેશે : 27મીથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
મુંબઈ, તા. 7 : દેશભરમાં અંદાજીત 54000 પેટ્રોલ પંપ 13 ઓક્ટોબરના રોજ બંધ રહેશે. પેટ્રોલ પંપ સંચાલકો છેલ્લા લાંબા સમયથી પોતાની માગને પૂરી કરવાની માગ સાથે હડતાલ કરી રહ્યા છે. પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને દેશવ્યાપી હડતાલનું એલાન કરીને પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવા અને તેમને યોગ્ય ગાળો આપવાની માગ કરી છે. વધુમાં 27મી ઓક્ટોબરથી અનિશ્ચિતકાળની હડતાલ ઉપર ઉતરવાની ચિમકી પણ આપી છે. 
ફેડરેશન ઓફ મહારાષ્ટ્ર પેટ્રોલ ડિલર્સ એસોસિએશના અધ્યક્ષ ઉદય લોધીએ કહ્યું હતું કે, 13 ઓક્ટોબરના હડતાલનો નિર્ણય યુનાઈટેડ પેટ્રોલિયમ ફ્રંટની પહેલી બેઠકમાં લેવાયો છે. આ ફ્રંટ દેશના ત્રણ મોટા પેટ્રોલ ડિલર્સના સંગઠનને એકઠા કરીને બનાવવામાં આવ્યો છે. ડિલર્સોની માગમાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓ સાથે 4 નવેમ્બર 2016ના રોજ થયેલા કરારોને લાગુ કરવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લોધીએ કહ્યું હતું કે, યુનાઈટેડ ફ્રંટે રોજે રોજ બદલતી કિંમતથી ગ્રાહકો અને ડિલર્સોને થઈ રહેલા નુકશાન ઉપર ચિંતા વ્યક્ત કરી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, જો સરકાર દ્વારા માગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી 27મી ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer