લોકોપયોગી 30 વસ્તુઓ સસ્તી થઈ

લોકોપયોગી 30 વસ્તુઓ સસ્તી થઈ
જીએસટી રિટર્નની મુદત લંબાવાઈ : માળખામાં રહેલી ખામીઓ દૂર કરવા પ્રધાનોની ટીમની રચના થઈ

મિડ અને હાઈ સેગમેન્ટ કાર ખરીદવા વધુ નાણા આપવા પડશે

નવી દિલ્હી, તા. 9 (પીટીઆઈ): હૈદરાબાદમાં મળેલી જીએસટી કાઉન્સિલની 21મી બેઠકમાં જીએસટીના દર અને રિટર્ન બાબતે મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. આ બેઠકમાં 30 જેટલી વસ્તુઓ ઉપરના જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જીએસટી લાગુ થયાને બે મહિના થવા છતાં પણ હજી જીએસટી મામલે અસમંજસ અને અસ્પષ્ટતાની સ્થિતિ છે. લોકોને રિટર્ન ફાઈલ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ તમામ મુશ્કેલીઓને નિવારવા માટે હૈદરાબાદમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ત્રણ સભ્યોની આંતર ખાતાકીય ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમ જીએસટીમાં રહેલી ખામીઓને નિવારવા માટે કામગીરી કરશે. આ ઉપરાંત બેઠકમાં રિટર્ન ફાઈલ કરવા માટે પણ રાહત આપતા સમય મર્યાદા લંબાવાવમાં આવી છે. ઓગષ્ટના જીએસટી રિટર્ન માટે મુદ્દત લંબાવીને 5 ઓક્ટોબર કરવામાં આવી છે. આ ઉપરાંત જુલાઈના રિટર્ન ફાઈલ કરવા માટેની મુદતમાં પાંચ દિવસ વધારવામાં આવતા હવે 15 સપ્ટેમ્બર છેલ્લી તારીખ રહેશે. 

નાણા પ્રધાન અરૂણ જેટલની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઓગષ્ટના જીએસટીઆર-1 માટેની સમયમર્યાદા 5 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત જીએસટીઆર-2 માટે 10 ઓક્ટોબર અને જીએઁસટીઆર-3 માટેની સમયમર્યાદા 15 ઓક્ટોબર કરવામાં આવી છે. આ ઉપરાંત જીએસટી પોર્ટલમાં રહેલી ખામીઓને કારણે જુલાઈનું રિટર્ન ન ભરી શકનારા કરદાતાઓને રાહત આપતા જુલાઈના રિટર્ન માટેની સમય મર્યાદા 10 સપ્ટેમ્બરને બદલે 15 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. જુલાઈના તમામ રિટર્નમાં પાંચ દિવસનો સમય લંબાવવામાં આવ્યો છે. 

સરકારના કહેવા પ્રમાણે જીએસટીઆર-5બીના 45 લાખથી વધારે રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. શુક્રવાર સુધીમાં જીએસટીઆર-1માં 17 લાખ રિટર્ન ફાઈલ થયા છે. આ ઉપરાંત અંદાજીત 13 કરોડ ઈનવોઈસ પણ ફાઈલ થયા છે. જો કે હજી પણ જીએસટી પોર્ટલ ક્રેશ થવાની સમસ્યા સામે આવી રહી છે. રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી હોવાના કારણે કરદાતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

જીએસટી કાઉન્સિલની 21મી બેઠકમાં 30 વસ્તુઓ ઉપર જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મધ્યમ શ્રેણીની કાર ઉપર કર 43 ટકાથી વધારીને 45 ટકા અને મોટી કાર ઉપર 48 ટકા કર નક્કી કરવામાં આવ્યો છે. બીજી તરફ એસયુવી ઉપર હવે 43 ટકાને બદલે 50 ટકા કર લાદવામાં આવ્યો છે. નાણામંત્રીએ બેઠક બાદ પત્રકારોને સંબોધનમાં કહ્યું હતું કે, જીએસટીનું અમલીકરણ કાઉન્સિલ માટે સૌથી મોટા પડકારરૂપ હતું.  વધુમાં ઉમેર્યું હતું કે, જીએસટીમાં રજીસ્ટર થયેલા 70 ટકા કરદાતાઓએ અત્યાર સુધીમાં 95 હજાર કરોંડ રિટર્ન જમા કરાવ્યું છે. 

જીએસટી પાર્ટનર કેપીએમજી ઈન્ડિયાના હરપ્રિત સિંહે કહ્યું હતું કે, જીએસટીએ સંબંધિત તમામ ટેક્નીકલ ખામીઓ અને પોર્ટલમાં પણ ઉભી થતી સમસ્યાને નિવારવા માટે ત્રણ મંત્રીઓની ટીમ બનાવવાનો નિર્ણય યોગ્ય છે. એવી આશા છે કે, આ સમિતિ માત્ર સમસ્યાઓને સમજશે નહી પણ તેનું નિવારણ કરવા માટે પણ ઝડપી કાર્યવાહી કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer