કેરળના એલ્લેપીના મેગા ટૂરિઝમ પ્રોજેક્ટમાં ગુજરાતીઓને વિશેષ મહત્ત્વ
કેરળના એલ્લેપીના મેગા ટૂરિઝમ પ્રોજેક્ટમાં ગુજરાતીઓને વિશેષ મહત્ત્વ અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : કેરળથી સ્થળાંતર કરીને અહીં વસેલા ગુજરાતીઓની એક બેઠકને સંબોધતાં કેરાલાના નાણાપ્રધાન અને એલ્લેપી મત ક્ષેત્રના વિધાનસભ્ય ડૉ. થોમસ આઈસેકએ જણાવ્યું કે, એક જમાનામાં વેપાર-ઉદ્યોગથી ધમધમતા એલ્લેપીની સૂરત બદલવાની મારી ઈચ્છા છે. આ માટે આગામી નવેમ્બરમાં યોજાનાર સેમિનારમાં હાજરી આપવા સૌને આમંત્રણ આપ્યું હતું.

ગઈકાલે શુક્રવારે સાંજે ઘાટકોપર રોટરી હૉલમાં નવરચિત કેરાલા ગુજરાતી ફોરમના બેનર હેઠળ આયોજિત કાર્યક્રમમાં ડૉ. થોમસ આઈસેકએ જણાવ્યું હતું કે, એલ્લેપીમાં વ્યાપાર-ઉદ્યોગને પુનર્જીવિત કરવા મેગા ટૂરિઝમ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં ગુજરાતીઓને વિશેષ મહત્ત્વ આપ્યું છે. ગુજરાતીઓની યાદ કાયમી જળવાઈ રહે એ માટે ત્રણ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જેમાં ગુજરાતીઓની જૂની બિલ્ડિંગોની જાળવણી કરવી. દિલ્હીમાં છે તેવું મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનાવવું અને કેરળ સાથે સંકળાયેલા ગુજરાતીઓનું બિઝનેસ હિસ્ટ્રી મ્યુઝિયમનો સમાવેશ થાય છે. ગાંધી મ્યુઝિયમ ત્રણ ભાગમાં હશે.

સાઉથ આફ્રિકામાં ગાંધી આઝાદીની ચળવળમાં ગાંધી અને મહાત્મા ગાંધી અને કેરાલા એવા ત્રણ ભાગમાં મ્યુઝિયમ બનાવાશે ત્રીજો પ્રોજેક્ટ મેમરીલેન્ડ હશે. જેમાં એક વોકવે બનાવાશે જેની બંને બાજુ એલ્લપીમાં ગુજરાતી હસ્તીઓ બિલ્ડિંગો વગેરેના ચિત્રો સાથેના સાઈન બોર્ડ મૂકાશે. લોકો ચાલતાં ચાલતાં આ બધું જોઈ શકશે.

ગુજરાતીઓ પોતાના ખોરાકની મોજ માણી શકે એ માટે ગુજરાતી અને કચ્છી ફૂડની રેસ્ટોરાં નિર્માણ કરાશે. ગેસ્ટ હાઉસ પણ બનાવાશે. આગામી સેમિનારમાં આવનારાઓ અૉનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે એલ્લેપીના ગુજરાતીઓ માટે બનાવાયેલી વેબસાઈટનું ઉદ્ઘાટન પણ તેમણે કર્યું હતું.

સમગ્ર પ્રોજેક્ટના ચૅરમૅન પણ ડૉ. થોમસ આઈસેક છે જ્યારે વાઈસ ચૅરમૅન અરુણભાઈ સંપટ, જોઈન્ટ કન્વિનર ધ્રુવકુમાર પંડયા (એલ્લેપી) છે.

આ બેઠકમાં કેરળથી સ્થળાંતર કરીને અહીં વસેલા ભાઈબહેનો હતા. જેમાંના ઘણાંના વેપાર-ધંધા હજુ પણ ત્યાં ચાલે છે. એલ્લેપીમાં મિલકતો છે. ઘણાં એલ્લેપીની સ્કૂલમાં ભણ્યા છે. બેઠકમાં મોટી વયના અને યુવા વયના પણ હતા. આ બધા પાસે કેરાલાના સંસ્મરણો હતા. બેઠકમાં ભેગા થવાની તક મળવાથી ચહેરા પર ખુશી અને ઉત્સાહ દેખાતા હતા. 

અમીલ મણીલાલ શેઠ આવ્યા હતા. જેમની એલ્લેપીમાં 110 વર્ષ જૂની બિલ્ડિંગ છે. બેઠકમાં રિવર્સ માઈગ્રેસની વાર્તા પણ થઈ હતી.

બેઠકના આયોજનમાં રૂપેશ જોશી, કુમાર દંડ, અર્ચના ગગલાણી અને મણીલાલ શાહે જહેમત ઊઠાવી હતી. આગામી નવેમ્બરની 11 અને 12 તારીખે એલ્લેપીમાં સેમિનાર યોજાનાર છે જેમાં અહીંથી ઘણાં લોકો જવાના છે. આ આયોજનના કોઓર્ડિનેટર રૂપેશ જોશી છે.

આ કાર્યક્રમમાં ડૉ. થોમસ આઈસેકને શાલ અને ભેટ આપીને મંજુલાબહેને સન્માન કર્યું હતું. સંચાલન અર્ચના ગગલાણીએ કર્યું હતું. જુદા જુદા વકતાઓએ એલ્લેપીના પ્રોજેક્ટમાં સહયોગની ખાતરી આપી હતી. તો મણીલાલ શાહે આભારવિધિ કરી હતી.