ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન જયંતિ નટરાજનના આવાસની તલાશી લેતી સીબીઆઈ
ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન જયંતિ નટરાજનના આવાસની તલાશી લેતી સીબીઆઈ ખાણકામ અને પર્યાવરણના કાયદા ચાતરી પેઢીને વન્ય જમીન લીઝ આપ્યાનો આરોપ

નવી દિલ્હી તા. 9:  ઝારખંડના સિંઘભૂમ જિલ્લામાં લોખંડ અને કાચા મેંગેનીઝના ખાણકામ માટે ખાનગી પેઢીને 56 હેકટરની વન્ય જમીન લીઝ પર આપવાની દરખાસ્તને બહાલી આપવામાંની કથિત ગેરરીતિઓ સબબ પૂર્વ પર્યાવરણ મંત્રી જયંતિ નટરાજનના ચેન્નાઈમાંના સંકુલની સીબીઆઈએ આજે તલાશી લીધી હતી. આઈપીસીની અને પ્રીવેન્શન ઓફ કરપ્શન એકટની વિવિધ જોગવાઈઓ હેઠળ એજન્સીએ નટરાજન અને અન્યો સામે કેસ નોંધ્યો હતો. સિંઘભૂમના સારાન્ડા જંગલમાં 192 હેકટર જમીન પેલી પેઢીને લીઝ પર આપવા ઝારખંડ સરકારના અજાણ્યા અધિકારીઓએ '05માં દરખાસ્ત કર્યાના આક્ષેપોની પ્રાથમિક તપાસના તારણોના આધારે કેસ થયો છે. પછીથી પર્યાવરણ ખાતાને મોકલી અપાયેલી એ દરખાસ્ત, ખાણકામના વર્તમાન કાયદા, પર્યાવરણના કાયદા અને સુપ્રીમ કોર્ટની દોરવણીઓના ઉલ્લંઘન કરી '12માં બહાલી અપાયાનો આક્ષેપ એફઆઈઆરમાં થયો છે.