ડેરામાં તપાસના બીજા દિવસે મળી ફટાકડાની ફૅક્ટરી

પંચકુલામાં હિંસા ભડકાવવામાં મહત્ત્વનો ભાગ ભજવનારા ત્રણની ધરપકડ

સિરસા, તા. 9 : હરિયાણાના સિરસામાં ડેરા હેડક્વાર્ટરમાં પ્રથમ દિવસે સર્ચ ઓપરેશનમાં રોકડ રૂપિયા સહિતની વસ્તુઓ મળ્યા બાદ બીજા દિવસે પણ તપાસની કામગીરી કરવામાં આવી હતી. તપાસ અભિયાનના બીજા દિવસે ડેરા સંકુલમાંથી ફટાકડા બનાવવાની એક ગેરકાયદેસર ફેક્ટરી મળી આવી છે. આ ફેક્ટરીમાંથી  22 પેટી વિસ્ફોટકો ઝડપાયા છે. વિસ્ફોટકોની આ ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે. ડેરામાં તપાસ દરમિયાન એક પછી એક રહસ્યો ખુલી રહ્યા છે. તો બીજી તરફ પંચકુલામાં હિંસા ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા ચમકૌર સિંહ સહિતના ત્રણ શખસોની ધરપકડ કરવામાં આવી છે. ડેરામાં ખોદકામ દરમિયાન હાડકા મળ્યા હોવાના પણ અહેવાલ છે. 

ડેરાના 700 એકરમાં ફેલાયેલા સામ્રાજ્યમાં તપાસ માટે મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને ઉતારવામાં આવ્યા છે. તપાસના બીજા દિવસે ડેરામાં સંદિગ્ધ જગ્યાઓએ ખોદકામ પણ શરૂ કરવામાં આવ્યું છે. એવી આશંકા છે કે, સુરંગ મારફતે ડેરામાંથી ચીજવસ્તુઓની હેરાફેરી કરવામાં આવી છે. વધુમાં અસ્થીઓને દફનાવવામાં આવ્યા હોવાની વાત ડેરાના જ મુખપત્રમાં કરવામાં આવી હોવાથી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે ભારે સુરક્ષા વચ્ચે ડેરામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જૂની અને નવી નોટો, 1500 જુતા, 3000થી વધારે ડિઝાઈનર કપડા, પ્લાસ્ટીકના સિક્કા વગેરે મળી આવ્યા હતા. ગુરમીત રામ રહીમે ડેરાને અય્યાશીનો અડ્ડો બનાવી દીધો હતો. તેના કપડા અને અન્ય જ્વેલરીની કિંમત અંદાજીત 25 થી 50 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer