અઢીસો કરોડની બેનામી ડિપૉઝિટ !

તામિલનાડુમાં નોટબંધી દરમિયાન નેતાના ખાતામાં રકમ જમા થયાનો આઈટીનો ધડાકો

ચેન્નાઈ, તા. 9 : આવકવેરા ખાતા તામિલનાડુ અને પોંડીચેરી વિસ્તારના અધિકારીઓએ માત્ર એક જ વ્યવહારમાં કરવામાં આવેલી રૂા. 246 કરોડની બેંક ડિપોઝિટ ઝડપી પાડી હતી. આ થાપણ તામિલનાડુમાં કાળાનાણા સામે કરવામાં આવેલા નોટબંધીના પગલાં દરમ્યાન કરવામાં આવી હતી. 

આવકવેરા ખાતાના સૂત્રોના વધુમાં જણાવ્યા પ્રમાણે આ ડિપોઝિટના સંબંધ એક જાણીતા નેતા સાથે જોડાયેલો છે. આવકવેરા વિભાગને એવી શંકા છે કે, આ નેતાની જ એ ડિપોઝિટ છે. તપાસમાં એવું બહાર આવ્યું છે કે, તામિલનાડુમાં કુલ 240 કરોડ રૂપિયાની ડિપોઝિટની જાણકારી નથી મળી શકી. આ ડિપોઝિટ 441 ખાતામાં કરવામાં આવી હતી. પરંતુ ખાતાધારકની જાણકારી વિભાગને નથી મળી શકી. 

નોટબંધીની જાહેરાત બાદ સંદિગ્ધ વ્યવહારો કરવામાં 27,339 બેંક ખાતાના માલિકોને ચકાસણી માટે નોટિસ મોકલવામાં આવી છે. 

જંગી બિનહિસાબી બેંકડિપોઝિટ અંગે માહિતી મેળવી લેવામાં આવ્યા બાદ ઉંડી તપાસ ચાલી રહી છે. તે નોટબંધી એટલે કે આઠમી નવેમ્બરથી લઈને 30મી ડિસેમ્બર વચ્ચેના ગાળામાં જમા કરવામાં આવી હતી. 

આવકવેરા અધિકારીએ માહિતી આપતાં કહ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે એક વ્યકિતના ખાતામાં 246 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. 

આ તમામ પૈસા બેંક સાંજે બંધ થઈ ગયા બાદ જમા કરવામાં આવ્યા હતા. અધિકારીઓ હજુ પણ નોટબંધી બાદ ખાતામાં જમા કરવામાં આવેલા નાણાંના મામલે તપાસ ચાલી રહી છે. શંકાસ્પદ ખાતાઓની ચકાસણીનો બીજો દોર ચાલી રહ્યો છે. એક અધિકારીએ કહ્યું છે કે આ તપાસ આરબીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી તપાસના આધારે ચાલી રહી છે. ટૂંક સમયમાં જ નવી માહિતી સપાટી પર આવી શકે છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer