અમિત શાહે ફિક્કીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કેન્દ્રની અર્થનીતિને મુલવી `મોદી સરકાર લોકોને સારા લાગે એવા નહીં, લોકો માટે સારા હોય એવા નિર્ણયો લે છે''
અમિત શાહે ફિક્કીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કેન્દ્રની અર્થનીતિને મુલવી `મોદી સરકાર લોકોને સારા લાગે એવા નહીં, લોકો માટે સારા હોય એવા નિર્ણયો લે છે'' પ્રમોદ મુઝુમદાર તરફથી 

નવી દિલ્હી, તા.9 : દેશવાસીઓના વિચારોનું સ્તર ઊંચું આવ્યું છે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સૌથી મોટી ઉપલબ્ધી છે, એમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતમાં ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકારના કારણે આજે દુનિયાભરમાં બ્રૅન્ડ ઇન્ડિયાનો વિચાર વિકસિત થયો છે.

દિલ્હીમાં ફિક્કીની રાષ્ટ્રીય કાર્યકારિણીને સંબોધતા શાહે કહ્યું હતું કે બ્રૅન્ડ ઇન્ડિયાના નિર્માણનું કામ સરકારનું છે પરંતુ તેનો ફાયદો ઉઠાવીને દેશનો આર્થિક વિકાસ કરવાની જવાબદારી ફિક્કી જેવા ઉદ્યોગ જગતના સંગઠનોની છે. વિશ્વના તમામ દેશોના ઔદ્યોગિક સંગઠનોએ છેલ્લા દાયકામાં પોતાના રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં કેવી અને કેટલી ભૂમિકા ભજવી તેનો અભ્યાસ કરીને આપણા ઔદ્યોગિક સંગઠનો આ કામગીરીમાં ક્યાં છે તેનો અભ્યાસ કરવો જોઇએ. શાહે સૂચન કર્યું હતું કે ફિક્કી જેવા સંગઠને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે વિશેષ કોન્સેટોરિયમ તૈયાર કરવું જોઇએ જેથી પેટેન્ટ રજિસ્ટ્રેશન અને ઇંટલએક્ચ્યુલ પ્રોપર્ટી રાઇટ્સ સંબંધી નફાનો લાભ દેશને મળે. 

ભાજપના અધ્યક્ષે દાવો કર્યો હતો કે નીતિ આયોગના ગઠનથી જ દેશના ફેડરલ સ્ટ્રક્ચરમાં ગુણાત્મક પરિવર્તન આવ્યા છે. અગાઉ રાજ્યો મદદ માટે નાણાં આયોગ સમક્ષ આવતા હવે નીતિ આયોગ રાજ્ય સરકાર પાસે પહોંચે છે. દેશના શિક્ષણ, ઉદ્યોગ સહિતનાં ક્ષેત્રોમાં વિકાસ માટે નીતિ આયોગે સકારાત્મક વલણ દાખવ્યું છે.

મોદી સરકારના પ્રગતિ કાર્યક્રમનો ઉલ્લેખ કરીને શાહે કહ્યું હતું કે આ કાર્યક્રમ અંતર્ગત વડા પ્રધાન મોદી પોતે દર પંદર દિવસે તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે દેશભરની અટકેલી યોજનાઓની ચર્ચા કરે છે અને વિવિધ યોજનાઓ સામેની અડચણો દૂર કરીને તેમને આગળ ધપાવે છે. જોકે પ્રગતિ કાર્યક્રમને જોઇએ એટલી પ્રસિદ્ધિ મળી નથી.