કાશ્મીર મુદ્દે પાક સેનાના બદલ્યા સૂર
રાજકીય અને રાજદ્વારી સ્તરે સમાધાન કરવાની બાજવાની હિમાયત

ઈસ્લામાબાદ, તા. 9 : ભારત અને અમેરિકા સહિતના દેશોના વધતા દબાણ વચ્ચે પાકિસ્તાનના કોઈ સેનાધ્યક્ષે સંભવત: પહેલી વાર કાશ્મીર મુદ્નું સમાધાન રાજકીય અને રાજદ્વારી સ્તરે લાવવાની હિમાયત કરી છે. અહીં રક્ષા દિવસને લઈને આયોજિત એક સમારોહમાં પાક સેનાના પ્રમુખ જનરલ કમર બાજવાએ આ વાત કરી હતી. 

ભારત અને અમેરિકાના દબાણ અને હાલમાં બ્રિક્સ શિખર પરિષદમાં પણ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોનો નામોલ્લેખ થયો છે એવે સમયે જ બાજ વાએ કહ્યું હતું કે પ્રગતિ માટે શાંતિ જરૂરી છે. બંને દેશમાં રહેનારા લાખો લોકોની ભલાઈ સ્થાયી શાંતિમાં છે. 

ભારત માટે એ જ સારું રહેશે કે પાકિસ્તાનની આલોચના કરવા અને કાશ્મીરીઓ પર સેનાની ધોંસ બોલાવવાને બદલે આ મામલાનો રાજકીય અને રાજદ્વારી સ્તરે ઉકેલ શોધે. 

હજી બે દિવસ પહેલા જ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે કબૂલ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ જેવા ત્રાસવાદી સંગઠનોને પાકિસ્તાનમાં આશ્રય મળે છે. 

બાજવાએ સીધી રીતે ભારતનું નામ લીધા વગર ધમકીની પણ ભાષામાં કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં પરમાણુ હથિયારો અમે લાવ્યા નથી. અને અમારા અણુ શત્રો સામાન્ય રૂપમાં શાંતિ જાળવવાની ખાતરી સમાન છે. જે તાકાતમાં ઘણા આગળ છે એવા અમારા પડોશી દેશોને આ અમારો જવાબ છે. આ એ જ દેશ છે જે દક્ષ્ંિાણ એશિયામાં બિનપરંપરાગત યુદ્ધ લઈને આવ્યો છે.