રૂા. 2000ની 95 બનાવટી નોટો સાથે ચાર શખસ ઝડપાયા

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.9 : ઝડપથી નોટ કમાઇને અમીર થઇ જવાની ઘેલછામાં બનાવટી ચલણી નોટો છાપવાના ખોટા રસ્તે ચઢી ગયેલા ચાર શખસોને ક્રાઇમ બ્રાન્ચે  અમદાવાદ શહેર રીંગરોડ નાના ચિલોડા સર્કલ પાસેથી ઝડપી લીધા હતા.  આ ચારેય શખ્સો પાસેથી રૂા. 2000ના દરની 95 બનાવટી નોટ મળી આવી હતી. આ ચારેય આરોપીમાંથી એક ડિપ્લોમા સીવીલ એન્જીનીયર થયેલો અને કોમ્પ્યુટરનો જાણકાર હોવાથી બાકીના આરોપીને સાથે રાખી હિંમતનગર બાયપાસ રોડ પરના અવાવરું ફાર્મમાં ભારતીય ચલણની બનાવટી નોટ છાપવાનું શરૂ કર્યુ હતું. 

ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ટીમના એ.એસ.આઇ. સંજયસિંહ હાલુસિંહને મળેલી બાતમીના આધારે પો.ઇન્સ. કે.જી.ચૌધરી તથા એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ટીમે અમદાવાદ શહેરમાં હિંમતનગરથી ભારતીય ચલણની બનાવટી નોટો વટાવવા આવતા સંજયગીરી ગોસ્વામી (ઉ.વ.26), પરેશ ઇશ્વરભાઇ પરમાર (ઉ.વ.24),નરેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.24) અને ધર્મેન્દ્રસિંહ  રાઠોડને નાના ચિલોડા સર્ક પાસેથી  ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ભારતીય ચલણની રૂા.2000ના દરની 95 નોટ અર્થાત રૂા. 1,90,000 તથા 4 મોબાઇલ પકડી પાડયા હતા. 

આ ચારેય આરોપીઓની પૂછપરછમાં નાણાંની તંગી ધરાવનારા આરોપીઓએ ભેગા મળી યેનકેન પ્રકારે નાણાં કમાઇ લેવા આરોપી સંજયગીરીની આગેવાની માં હિંમતનગર ખાતેથી કલર પ્રિન્ટર તથા કલર કાર્ટીઝ તેમજ કાગળ, કટર વિગેરે વસ્તુઓ ખરીદ કરી હતી અને હિંમતનગર બાયપાસ રોડ, તુલસી બજાર કોમ્પલેશ્ર પાસે અવાવરું ફાર્મમાં આ તમામ વસ્તુઓ રાખી લોકોને જાણ ન થાય તે રીતે કલર પ્રિન્ટથી છેલ્લા ત્રણ માસમાં રૂા. 50, રૂા. 100 અને રૂા. 2000ના દરની ભારતીય ચલણની અસલ નોટ ઉપરથી ઘણી બધા ફોટો કોપી બનાવટી નોટ કાઢેલ અને આ બનાવટી નોટોને હિંમતનગર તથા અન્ય શહેરના બજારમાં કરીયાણાની દુકાનવાળા, પેટ્રોલપંપ તથા ભીંડવાળા બજારમાં ફરતી કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer