ટ્રેન પકડવાના પ્રયાસમાં પડી ગયેલી મહિલાનો આબાદ બચાવ

ટ્રેન પકડવાના પ્રયાસમાં પડી ગયેલી મહિલાનો આબાદ બચાવ
મુંબઈ, તા. 9 : દોડતી લોકલ પકડવાના પ્રયત્નમાં પ્લૅટફૉર્મ પર ઘસડાતી એક મહિલાનો જીવ રેલવે પોલીસ અધિકારીની સમયસૂચકતાને લીધે બચી ગયો છે. નાલાસોપારા સ્ટેશને શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી. બોરીવલીમાં રહેતાં લતા માહેશ્વરી પોતાની પુત્રી સાથે રાત્રે લગભગ સવા નવ વાગ્યે નાલાસોપારા સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર બે પરથી ચાલુ ટ્રેન પકડવાના પ્રયત્નમાં હતાં. તેમની પુત્રી ટ્રેનમાં ચડી ગઈ હતી, પરંતુ ચડતી વખતે લતાનું સંતુલન જતું રહ્યું હતું અને ટ્રેન સાથે લટકતી હાલતમાં ઘસડાવા લાગ્યાં હતાં. રેલવેના પોલીસ સબઇન્સ્પેક્ટર ગોપાલકૃષ્ણન રાયે આ જોયું અને તેમણે દોડી જઇને એ મહિલાને બચાવી લીધાં હતાં. જરાપણ મોડું થયું હોત તો પ્લૅટફૉર્મ અને ટ્રેન વચ્ચેના કિલર ગૅપમાં પડીને આ મહિલાનો જીવ ગયો હોત.

નાલાસોપારા સ્ટેશને રાત્રે ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પ્લૅટફૉર્મ સાથે ઘસડાયેલાં પંચાવન વર્ષનાં લતાને નજરે જોનારા પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે લગભગ સવા નવ વાગ્યે ટ્રેન ઊપડીને લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી રહી હતી. સેકન્ડ ક્લાસના ડબામાં પુત્રી ચડી ગયાં બાદ આ મહિલા ચડવા ગઇ ત્યારે જ ટ્રેન ઝટકા સાથે ઊપડી હતી અને આ મહિલાએ બેલેન્સ ગુમાવ્યું હતું, પરંતુ દરવાજા વચ્ચેનો પૉલ મજબૂતીથી પકડી રાખ્યો હતો. તેની કમરનો નીચેનો ભાગ ટ્રેન અને પ્લૅટફૉર્મની વચ્ચે હતો. તે અને તેમની પુત્રી તેમ જ ડબાના દરવાજે ઊભેલા પ્રવાસીઓ પણ બચાવો-બચાવોની બૂમો પાડતાં હતાં. 

એ સમયે પ્લૅટફૉર્મ પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના ફરજ પરના ઇન્સ્પેક્ટર ગોપાલકુમાર રાય મોબાઇલ ફોન પર વાતચીત કરી રહ્યા હતા અને તેમની નજર ટ્રેન સાથે ઘસડાઇ રહેલી આ મહિલા પર પડી હતી. તેમણે પળનોય વિલંબ કર્યા વગર ફોનને પડતો મૂકીને ટ્રેનની સાથે દોટ મૂકી હતી અને આ મહિલાને પોતાના હાથથી ખેંચીને ટ્રેનથી અલગ કર્યા હતા. આ મહિલાને પ્લૅટફૉર્મ સાથે ઘસડાવાથી નાની ઇજાઓ થઇ હતી, પરંતુ રાયની સમયસૂચકતા અને બહાદુરીથી લતાનો જીવ બચી ગયો છે. સીસીટીવી કૅમેરામાં બે મિનિટની આ ઘટના રેકર્ડ થઇ છે. લતાની પુત્રી વસઇ સ્ટેશને ઊતરી ગઇ હતી.

રાયે જણાવ્યું હતું કે જો આ મહિલાએ દરવાજા વચ્ચેના પૉલ પરથી પકડ ગુમાવી હોત તો ટ્રેક પર પડીને મૃત્યુ પામી હોત. મને ત્વરિત એવો વિચાર આવ્યો હતો કે જો આ મહિલાને બચાવવી હોય તો તેને ખેંચીને ટ્રેનથી અલગ કરવી પડશે. રાયે બાદમાં લતાને ધરપત આપીને પાણી પીવડાવ્યું હતું અને તેમની પુત્રી વસઇ ટ્રેનમાંથી ઊતરી ગઇ છે એવી જાણકારી આપીને નાલાસોપારાથી અન્ય ટ્રેનમાં બેસાડયાં હતાં અને વસઇ સ્ટેશને તેમની પુત્રી સુધી પહોંચાડયાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer