હવે મુંબઈ નહીં ડૂબે : મુખ્ય પ્રધાને આપી ખાતરી

હવે મુંબઈ નહીં ડૂબે : મુખ્ય પ્રધાને આપી ખાતરી
મુંબઈ, તા. 9 : દર વર્ષે ચોમાસામાં ડૂબી જતી મુંબઈને હવે આ સમસ્યાથી કાયમી છુટકારો મળી જશે. મુંબઈને ડૂબવાથી બચાવવા માટે સરકાર બૃહદમુંબઈ સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ (બ્રિમસ્ટોવેડ) યોજના વહેલામાં વહેલી તકે પૂરી કરશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે.

તેમણે કહ્યું હતું કે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં રસ્તા બંધ થઈ જાય છે. ઉપનગરીય ટ્રેનોની ડિઝાઇન જૂની હોવાને કારણે લોકલ સેવા બંધ થઈ જાય છે. એથી સૌથી વધુ તકલીફ પ્રવાસીઓને થાય છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સરકાર ઉપાયયોજના કરી રહી છે જેમાં પાણીનો સમયસર નિકાલ અને બ્રિમસ્ટોવેડ જેવી પરિયોજનાને ગતિ આપવી મુખ્ય છે. સાથે સાથે પાણીના નિકાલ માટે ઠેર ઠેર પમ્પિંગની વ્યવસ્થા અને કનેક્ટિવિટીને જલદીમાં જલદી પૂરી કરવી એ પણ સામેલ છે. કારણ કે ભરતી-ઓટ વખતે સમુદ્રનું પાણી પાછું આવે છે, એટલે પમ્પિંગ કનેક્ટિવિટી બરાબર હોય તો વરસાદનું પાણી દરિયામાં છોડવામાં સરળતા રહેશે. મુંબઈમાં રોજ 2,100 એમએલડી ગંદુ પાણી કોઇપણ પ્રક્રિયા વગર દરિયામાં જાય છે જેને કારણે દરિયાનું પાણી દુષિત થઈ રહ્યું છે. આ ગંદા પાણી પર પ્રક્રિયા કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી લઈ લેવાઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer