વાશી સ્ટેશનેથી ક્ષણવારમાં જ ત્રણ વર્ષના બાળકનું અપહરણ
વાશી સ્ટેશનેથી ક્ષણવારમાં જ ત્રણ વર્ષના બાળકનું અપહરણ નવી મુંબઈ,તા.9 : નવી મુંબઈના વાશી સ્ટેશનેથી ક્ષણવારમાં ત્રણ વર્ષના એક બાળકનું અપહરણ કરાયાનો કેસ નોંધાયો છે. અપહરણકર્તા બાળકને ઉઠાવીને જઇ રહ્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઇ છે. સ્ટેશનની આસપાસમાં જ રહેતી એક માતા પોતાના ત્રણ વર્ષના દીકરા સાથે સ્ટેશને ફૂડ સ્ટોલ પર વડાં-પાંઉ ખરીદવા આવી હતી. પૈસા આપતી વખતે આ મહિલાએ પુત્રનો હાથ છોડયો અને ક્ષણવારમાં જ તેનું અપહરણ થઇ ગયું હતું. આ વિહ્વળ મહિલાની ફરિયાદ બાદ રેલવે પોલીસે સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા તેમાં એક અજ્ઞાત વ્યક્તિ આ બાળકને લઇ જતો દેખાયો હતો. આરોપી બાળકને લઇને બપોરે 1.30 વાગ્યાની પનવેલ તરફ જતી લોકલ ટ્રેનમાં ચડતો દેખાયો હતો. પોલીસે અજ્ઞાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ફૂટેજ પરથી જણાય છે કે આરોપી શરાબના નશામાં હતો.