લૉર્ડ્સમાં વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી ટેસ્ટમાં હરાવી ઇંગ્લૅન્ડની શ્રેણી જીત
લૉર્ડ્સમાં વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી ટેસ્ટમાં હરાવી ઇંગ્લૅન્ડની શ્રેણી જીત પ્રવાસીઓને 177માં વીંટયા બાદ વિજય માટેના 107 રન આસાનીથી બનાવ્યા

લોર્ડ્સ, તા. 9 : અહીં ચાલતી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે જ ઇંગ્લેન્ડે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને બીજા દાવમાં માત્ર 177માં વીંટીને મેળવેલા લક્ષ્ય 107ને માત્ર એક વિકેટના ભોગે આંબી લઇ મેચની સાથે જ શ્રેણી પર પણ કબ્જો મેળવ્યો હતો. વિન્ડિઝે પ્રથમ દાવમાં 123 અને બીજા દાવમાં 177 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પહેલા દાવમાં 194, જ્યારે બીજા દાવમાં 107 રન બનાવ્યા હતા.

ગઇકાલના ત્રણ વિકેટે 93 રનના જુમલાને આજે આગળ વધારતાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લેન્ડના બોલરો સામે ટકી શકી ન હતી અને લંચ બાદના સત્રમાં 177 પર વીંટાઇ ગઇ હતી. શાઇ હોપે 62 રન બનાવ્યા હતા. તેના સિવાયના બેટધરો જામ્યા ન હતા.

એન્ડરસને માત્ર 42 રનમાં સાત વિકેટ ઝડપી લઇને સપાટો બોલાવ્યો હતો. બ્રોડને બે અને રોલાન્ડ-જોન્સને 1 વિકેટ મળી હતી.

107ના લક્ષ્યને ઇંગ્લેન્ડે કૂક (17)ની વિદાય બાદ સ્ટોનમેન (40*) અને વેસ્ટલી (44*)ની અણનમ ભાગીદારી સાથે માત્ર 28 ઓવરમાં વટાવી લઇ મેચ ઉપરાંત શ્રેણી પણ 2-1થી પોતાના નામે કરી હતી. એકમાત્ર વિકેટ વિન્ડિઝના બિશુએ ઝડપી હતી.

500 ટેસ્ટ વિકેટ લેનારો પ્રથમ ઈંગ્લિશ બૉલર બન્યો એન્ડરસન

લંડન, તા. 9 : જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં  500 વિકેટ લેનારો દુનિયાનો છઠ્ઠો અને ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર બન્યો છે. આ રેકોર્ડ એન્ડરસને વેસ્ટ ઈન્ડિઝ સામે લોર્ડઝમાં રમાઈ રહેલા ત્રીજા અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ક્રેગ બ્રેથવેટની વિકેટ ખેડવીને બનાવ્યો છે. પ્રથમ ઈનિંગમાં બે વિકેટ લઈને એન્ડરસને કુલ વિકેટોને 499એ પહોંચાડી હતી. એન્ડરસન પહેલા મુથૈયા મુરલીધરન-800 વિકેટ, શેન વોર્ન-708 વિકેટ, અનિલ કુંબલે-619 વિકેટ, ગ્લેન મેકગ્રાથ-563 વિકેટ અને કર્ટની વોલ્શ 519 વિકેટો સાથે છે. વેસ્ટ ઈન્ડિઝનના વોલ્શ આ મુકામે પહોંચનારા પ્રથમ બોલર બન્યા હતા.