ખેલાડીઓને પૂરતો આરામ આપવો જરૂરી : રવિ શાસ્ત્રી
ખેલાડીઓને પૂરતો આરામ આપવો જરૂરી : રવિ શાસ્ત્રી અતિવ્યસ્ત કાર્યક્રમ મુદ્દે કોચે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને કરી રજૂઆત

નવી દિલ્હી, તા. 9 : ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાત્રીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને સૂચન કર્યું છે કે, આંતરરાષ્ટ્રીય મેચોનો કાર્યક્રમ બનાવતા પહેલા ખેલાડીઓના આરામને પણ ધ્યાને રાખે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસક કમિટી અને બોર્ડના સીઈઓ રાહુલ જોહરી સાથેની વીડિયો કોન્ફરન્સ મારફતે રવિ શાસ્ત્રીએ સૂચન કર્યું હતું.

ભારતીય ટીમ શ્રીલંકાના લાંબા પ્રવાસેથી સ્વદેશ પરત ફરી છે. જ્યાં ટીમે તમામ 9 મેચ જીત્યા છે. જો કે ભારતીય ટીમને આરામ કરવાનો સમય મળવાનો નથી. આગામી 17 તારીખથી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી શરૂ થાય છે. આ શ્રેણીમાં પાંચ વન ડે અને ત્રણ ટી20 મેચ રમાવાના છે. આ રીતે ખેલાડીઓને ફરીથી શક્તિ એકઠી કરવા માટે ખૂબ ઓછો સમય મળે છે. આંતરરાષ્ટ્રીય કેલેન્ડર એટલું વ્યસ્ત છે કે, ખેલાડીઓને મેચ રમવાથી જ નહીં પણ પ્રવાસ કરીને પણ શરીર ઉપર અસર પડે છે.