ગોરખપુર હૉસ્પિટલમાં બાળકોનો મરણાંક વધીને 63 થયો અૉક્સિજનના અભાવે નહીં, ગંદકીને લીધે બાળકોનાં મૃત્યુ થયાં

ગોરખપુર હૉસ્પિટલમાં બાળકોનો મરણાંક વધીને 63 થયો અૉક્સિજનના અભાવે નહીં, ગંદકીને લીધે બાળકોનાં મૃત્યુ થયાં
ગોરખપુર, તા. 1ર (પીટીઆઈ): ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બીઆરડી હૉસ્પિટલમાં 36 બાળકોનાં દર્દનાક મોત પર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, અૉક્સિજન પુરવઠાની ઓછપના કારણે બાળકોનાં મોત નથી થયાં. દરમિયાન, આ ઈન્સેફેલાઈટિસ (મગજમાં થતો સોજો) નામના રોગના કારણે બાબા રાઘવદાસ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં નોંધ પ્રમાણે વધુ એક 11 વર્ષીય બાળક સાથે આજે ત્રણ મૃત્યુ થતાં મૃત્યુ આંક વધીને 63 પર પહોંચ્યો હોવાના પણ હેવાલ છે. મુખ્ય પ્રધાને છેલ્લા પાંચ દિવસમાં 60 મોત થયાંની જોકે વાત કરી હતી. કલેકટર રાજીવ રૌતેલીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસ દરમિયાન 60 મૃત્યુ નીપજ્યાં છે. બીજી તરફ આ મામલે રાજનીતિ શરૂ થઇ ગઇ છે અને કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, બસપનાં સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકાર પર પ્રહારો કર્યા હતા.

અંતે ઘટનાના 28 કલાક બાદ મૌન તોડતાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, બાળકોનાં મૃત્યુ પાછળ આસપાસની ગંદકી અને ખુલ્લાં શૌચાલય જવાબદાર છે. સમગ્ર ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, `આ હૉસ્પિટલમાં બાળકોનાં મૃત્યુ પાછળ ગંદકી કારણરૂપ છે અને જવાબદારોને નહીં છોડીએ. મારી હૉસ્પિટલની મુલાકાત દરમિયાન કોઇએ અૉક્સિજનના પુરવઠાનો મુદ્દો નથી ઉપાડયો. અમે મુખ્ય સચિવના અધ્યક્ષપદ હેઠળની સમિતિને અૉક્સિજનના પુરવઠા અંગેની તપાસ સોંપી છે.' તેમણે આરોપોને નકારી કાઢતાં જણાવ્યું કે, અૉક્સિજનની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી અને દર્દીઓ વિવિધ તબીબી કારણસર મૃત્યુ પામ્યાં હતાં.

પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે શનિવારે ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, કેટલાક કલાકો માટે અૉક્સિજનનો પુરવઠો જરૂર અવરોધાયો હતો, પરંતુ મૃત્યુનું કારણ આ પુરવઠો  અટકી જવાનું નથી. તેમણે સાથે કહ્યું કે, આ મામલામાં લાપરવાહી દર્શાવવાના કારણે મેડિકલ કૉલેજના આચાર્યને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પ્રધાને કહ્યું કે, દોષીઓની સામે સરકાર કડક કાર્યવાહી કરશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer