રાજ્યસભાના નેતાપદેથી શરદ યાદવની હકાલપટ્ટી, હવે વિદ્રોહી નેતાને પાર્ટીમાંથી પણ હાંકી કઢાશે?

રાજ્યસભાના નેતાપદેથી શરદ યાદવની હકાલપટ્ટી, હવે વિદ્રોહી નેતાને પાર્ટીમાંથી પણ હાંકી કઢાશે?
ભાજપ સાથે નાતો જોડનારા નીતિશકુમારે પાણી પહેલાં પાળ બાંધી...

પ્રમોદ મુઝુમદાર તરફથી 

નવી દિલ્હી, તા. 12 : બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ (યુનાઇટેડ)ના અધ્યક્ષ નીતિશકુમારે જુલાઇમાં ભાજપ સાથે નવી સરકાર બનાવ્યા બાદ બિહારમાં જનતા દળ (યુ), લાલુપ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને કૉંગ્રેસના મહાગઠબંધનનો કરુણ અંત આવ્યો હતો. આ રાજકીય ઘટનાક્રમથી જદયુના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય શરદ યાદવ પોતાની પાર્ટીના અધ્યક્ષ નીતિશકુમારથી ખૂબ નારાજ હતા અને તેમણે વિદ્રોહનો રસ્તો લીધો હોવાથી જદયુ તૂટી જવાનું જોખમ છે. જોકે, પાર્ટીએ એટલે કે નીતિશકુમારે પાણી પહેલા પાળ બાંધતો નિર્ણય લઇને શરદ યાદવને રાજ્યસભામાં પાર્ટીના નેતા પદેથી બરખાસ્ત કરી દીધા છે.

દિલ્હીના રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્રોહી બની ચૂકેલા શરદ યાદવના સ્થાને પાર્ટીએ રાજ્યસભામાં આર સી પી સિંહને જૂથના નેતા બનાવવાનો નિર્ણય પણ લીધો છે અને પાર્ટીના સાત રાજ્યસભાના સભ્ય, બે સંસદસભ્ય તરફથી પાર્ટીના મહાસચિવ સંજય ઝાએ સવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ વેન્કૈયા નાયડુ સાથે મુલાકાત કરીને એક પત્ર સુપરત કરીને આ જાણકારી આપી હતી. આ રીતે શરદ યાદવનું રાજ્યસભામાં  પાર્ટીના નેતાનું પદ છીનવી લેવાયું છે.  જોકે, રાજ્યસભામાં જદયુના કુલ દસ સભ્યો છે, તેમાંથી અલી અનવરને આ અગાઉ બરખાસ્ત કરી દેવાયા છે તેમ જ કેરળ તરફથી પાર્ટીના રાજ્યસભાના સભ્ય વીરેન્દ્ર કુમારે ભાજપ સાથે જોડાવાના નીતિશકુમારના નિર્ણયથી પોતાને વેગળા રાખ્યા છે.  

શરદ યાદવ હાલમાં બિહારની ત્રણ દિવસની યાત્રાએ છે અને યાત્રાની સભાઓમાં તેઓ નીતિશકુમારના નિર્ણયનો વિરોધ ખુલીને કરી રહ્યા છે. તેઓ નીતિશકુમારના ભાજપ સાથેના જોડાણને દગાખોરી તરીકે પણ ચીતરી રહ્યા છે. 

જોકે, જદયુએ તેમને 19 અૉગસ્ટે મળનારી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કરવાનું નિમંત્રણ મોકલ્યું છે. હવે જો તેઓ આ કારોબારીમાં હાજર નહીં રહે તો શરદ યાદવ વિરુદ્ધ પાર્ટી વધુ કડક શિસ્તભંગના પગલાં લેશે અથવા તો તેમને પાર્ટીમાંથી જ હાંકી કાઢશે.

દરમિયાન ગઇ કાલે નીતિશકુમાર ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુના શપથ સમારોહમાં હાજર રહેવા દિલ્હી આવ્યા હતા અને બાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ખાસ મુલાકાત કરી હતી.  

શાહે નીતિશકુમારને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)માં સાથીદાર પાર્ટી બનવાનું નિમંત્રણ આપ્યું હતું. 19 અૉગસ્ટે જદયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ સંબંધે નીતિશકુમાર કોઇ નિર્ણય લેશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. 

જેડી-યુ મારો પણ પક્ષ છે : શરદ યાદવ

રાજ્યસભામાં જેડી-યુના નેતાપદેથી હટાવાતાં નારાજ શરદ યાદવે આજે નીતીશકુમાર પર વળતો વાર કરતાં કહ્યું હતું કે, પક્ષ માત્ર નીતીશનો નથી મારો પણ છે. હું ઇન્દિરા ગાંધીથી પણ ક્યારેય ડર્યો નથી તો બાકીના શું ચીજ છે ? હું મારા સિદ્ધાંતો અને સત્યને વળગી રહું છું.

એનડીએમાં જોડાવા નીતિશને ઈજન

ભાજપ પ્રમુખ અમિત શાહે નીતિશકુમારને એનડીએમાં જોડાવા વિધિવત ઈજન આપ્યું છે. નીતિશકુમાર ગઈ કાલે નવી દિલ્હી ખાતે અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. એનડીએમાં જોડાયાની વિધિવત જાહેરાત નીતિશકુમાર,  આગામી તા. 19મીએ શનિવારે મળનારી રાષ્ટ્રીય કારોબારીમાં કરે તેવી સંભાવના છે.  ભાજપ સાથે જોડાણ રચવાના નીતિશકુમારના નિર્ણયની ટીકા કરનાર રાજ્યસભાના  અન્ય બળવાખોર સાંસદ અલી અન્વરને પક્ષે ગઈ કાલે સસ્પેન્ડ કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ યોજેલી વિપક્ષોની બેઠકમાં અલી અન્વરે હાજરી આપ્યા બાદ આ પગલુ લેવાયું છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer