ઉત્તર કોરિયા મામલે ચીનની અમેરિકાને સલાહ ટ્રમ્પ યુદ્ધનો માહોલ સર્જે એવાં નિવેદનો ન કરે
નવી દિલ્હી, તા. 12 : ઉત્તર કોરિયાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી ધમકીનો ચીને વિરોધ કર્યો છે અમેરિકાને ધમકી આપી દીધી છે. ચીને ટ્રમ્પને યુધ્ધનો માહોલ સર્જે તેવા નિવેદનોથી દુર રહેવાનો આગ્રહ કર્યો છે. ઉત્તર કોરિયા દ્વારા સતત અમેરિકાને ધમકી આપવામાં આવી રહી હોવાથી ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે, ઉત્તર કોરિયા સામે સૈન્ય કાર્યવાહીની તમામ તૈયારી અમેરિકા દ્વારા આટોપી લેવામાં આવી છે. આ અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે, જો કિમ જોંગ અમેરિકા ઉપર મિસાઈલ હુમલો કરવાની ધમકીઓ બંધ નહી કરે તો ઉત્તર કોરિયા એવો વિનાશ જોશે જે અત્યાર સુધીમાં ક્યારેય નહી થયો હોય. 

અગાઉ ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગ અને ટ્રમ્પ વચ્ચે થયેલી ટેલીફોનીક વાતચિતમાં નક્કી થયું હતું કે, ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવતા ઉશ્કેરણીજનક વ્યવહારને રોકવામાં આવશે. વધુમાં કોરિયાઈ દ્વિપમાં પરમાણુ હથિયારોને દુર કરવાની કાર્યવાહી માટે અમેરિકાએ કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ટ્રમ્પ અને જિનપીંગ વચ્ચે સારા સબંધો છે અને એવી આશા છે કે ઉત્તર કોરિયાના મામલાનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થશે.