અમદાવાદમાં બે ચોટલા કપાયા : લોકોમાં ભયનો માહોલ : સીઆઇડીને તપાસના આદેશ

અમદાવાદમાં બે ચોટલા કપાયા : લોકોમાં ભયનો માહોલ : સીઆઇડીને તપાસના આદેશ
બનાવ સાયકૉલૉજીકલ છે કે અન્ય કોઇ રીતનો છે, એ અંગેનો અહેવાલ સરકારને આપવામાં આવશે : પ્રદીપસિંહ જાડેજા

ભયભીત લોકોએ ઘરની બહાર જય શ્રીરામ લખાણ લખી કંકુથી હાથના થાપા માર્યા!!

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 12 : ઉત્તર ભારત પછી હવે ગુજરાતમાં પણ યુવતીઓ અને મહિલાઓના વાળ એટલે કે ચોટલા કાપવાની રહસ્યમય ઘટનાઓ બની રહી છે. ગઇકાલે એક જ દિવસમાં રાજ્યભરમાં છ જગ્યાએ આવા બનાવો નોંધાયા હતા. જ્યારે આજરોજ અમદાવાદમાં પહેલીવાર બે જગ્યા એ આવી ઘટના સર્જાતા પોલીસ માટે પણ આ કોયડો અઘરો બની રહ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં ગઇ રાતે 15 વર્ષની તરુણીની ચોટલા કપાતા ચકચાર મચી ગઇ છે જ્યારે શીલજ વિસ્તારમાં પણ ચંદ્રાવતી રામશરણ નામની એક મહિલાની ચોટલા કપાઇ છે. રાજ્યમાં એક પછી એક બની રહેલી ચોટલા કપાવવાની ઘટનાથી ફેલાયેલા ભયના માહોલને જોતા રાજ્ય સરકારે આ તમામ ઘટનાઓની તપાસ કરવા સીઆઇડી  ક્રાઇમને આદેશ આપ્યો છે. 

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના નારોલમાં  શાંતીપુરામાં રહેતો એક પરપ્રાંતીય પરિવાર ગઇકાલે રાતે ઘરના તમામ દરવાજા બંધ કરીને સૂતો હતો. તે દરમિયાન રાતે સાડાબાર વાગ્યે 15 વર્ષની તરુણીને પોતાના માથા પાસે કાતરને અહેસાસ થયો હતો અને કોઇ તેની ચોટલા કાપી રહ્યું હોય તેમ લાગતું હતું. તેણે આંખ ખોલીને જોયું તો તેની ચોટલા કપાયેલી હતી. ખૂબ જ ડરી ગયેલી તરુણીએ તેની બાજુમાં સુતેલી તેની મમ્મીને ઉઠાડી હતી અને તેના કોઇ ચોટલા કાપી ગયું હોવાનું જણાવી , હવે હું ત્રણ દિવસમાં મરી જઇશ એમ જણાવ્યું હતું. તરુણીની  મમ્મીએ થોડે દૂર સૂતેલા તરુણીના પપ્પાને જગાડયા હતા. તેમણે ડરી ગયેલી અને રડી રહેલી દીકરી ને સાંત્વના આપી હતી. મધરાતે  આ ઘટનાની જાણ લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાના પગલે પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસે તેમ જ વિજ્ઞાન જાથાએ આ મામલે અંધવિશ્વાસ અને અફવાથી દૂર રહેવાની સલાહ આપી છે.  આમ છતાં લોકોએ ભયભીત બની ઘરની બહાર જયશ્રીરામ લખાણ લખી કંકુથી હાથના થાપા માર્યા હતા, જેથી તેઓના ઘરની યુવતીઓ અને મહિલાઓની ચોટલી સલામત રહે.

અહીં નોંધવું ઘટે કે, ચોટલી કાંડની દહેશત દેશભરમાં ફેલાઇ રહી છે. ગુજરાતમાં પણ તેના કિસ્સા વધી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યમાં ચોટલીકાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આ મામલાને ગંભીરતાથી લીધો હતો. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ તપાસના  આદેશ આપતા જિલ્લાના સ્થાનિક ડીએસપીને સતર્ક રહેવા સૂચના અપાઇ છે. જાડેજાએ જણાવ્યું હતું કે, ગઇકાલે ડીજીપી ગીથા જોડહીની અધ્યક્ષતામાં આખા ઇસ્યુની ઘટના કેવી રીતે બની એનો ડીટેલિંગ સ્ટડી કરીને આ ઘટના માટે દરેક જિલ્લાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જુદા જુદા પાસાઓને લક્ષમાં લઇને જુદી જુદી ટીમો આ કામે તપાસમાં લાગી ગઇ છે. આ બનાવ સાયકોલોજીક છે કે અન્ય કોઇ રીતનો બનાવ છે એ અંગેનો ઝડપથી અહેવાલ સરકારને આપવામાં આવશે અને એ મુજબ ત્વરિત પગલાં લેવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer