`જન્મભૂમિ''ના અહેવાલનો પડઘો પેન્શનરો પાસે દંડની રકમ નહીં વસૂલવા ઇપીએફઓએ સ્ટેટ બૅન્કને જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : ખાતામાં દર મહિને સરેરાશ બેલેન્સ નહીં જાળવવા બદલ દંડરૂપે રકમ કાપી લેનાર સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ) સામેની એમ્પ્લોઇઝ પ્રોવિડંટ ફંડ અૉર્ગેનાઇઝેશન (ઈપીએફઓની) લડતમાં પેન્શનરો જોડાયા છે. જન્મભૂમિએ બુધવારે આપેલી સ્ટોરીમાં એસબીઆઈના અન્યાયભર્યા મિનિમમ બેલેન્સનો નિયમ ઉજાગર કરવામાં આવ્યો હતો. આ સ્ટોરીમાં પેન્શનધારકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ઈપીએફઓના અધિકારીઓએ પહેલી અૉગસ્ટે બાંદરાની મુખ્ય અૉફિસે એસબીઆઈના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ખાતામાં સરેરાશ બેલેન્સ નહીં જાણવવા બદલ પેન્શનરોનાં ખાતાંમાંથી રકમ નહીં કાપી લેવા તેમણે બૅન્કના અધિકારીઓને જણાવ્યું હતું. ભૂતપૂર્વ નોમિનેટેડ કોર્પોરેટર અશ્વિન વ્યાસના પ્રયાસથી આ બેઠક શક્ય બની હતી.

પેન્શનરો તરફથી આ બાબતે અનેક ફરિયાદો મળી હોવા અંગે ઈપીએફઓના આસિસ્ટંટ કમિશનર (પેન્શન) વિજયકુમારે સમર્થન આપ્યું હતું.

પેન્શનરો પૈકી ઘણા રૂપિયા 2500થી વધુ પેન્શન મેળવતાં નથી. આથી ખાતામાં કમસે કમ બેલેન્સ જાળવવાનું તેમને માટે મુશ્કેલ છે.

70 વર્ષના ફરિયાદી એ. એલ. વ્યવહારકર બોરીવલીના રહેવાસી છે અને તેઓ અંધેરીની લાયકા લૅબના ભૂતપૂર્વ મેનેજર રહી ચૂક્યા છે, તેમનું અકાઉન્ટ સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઇ)માં છે. તેઓ ઇન્ડસ્ટ્રીયલ વર્કર પેન્શનર્સના પ્રતિનિધિ તરીકે કેસ લડી રહ્યા છે. વ્યવહારકરે જણાવ્યું હતું કે કરાર ભંગ કરીને બૅન્ક પેન્શનરો સાથે છેતરપિંડી કરી રહી છે. હું જ્યારે કોઇ રકમ જમા નહોતો કરાવતો ત્યારથી જ મારું  બૅન્કમાં પેન્શન અકાઉન્ટ છે. મને આ ખાતામાંથી માત્ર પૈસા ઉપાડવાની જ છૂટ છે તો શું હું આ મોટી ઉંમરે મારા ખાતામાંથી પૈસા ન ઉપાડું અને ખાતામાં જ જમા રાખું? આ તો ગ્રાહકની હેરાનગતિ અને દિમાગ વાપર્યા વગર જ બનાવેલો નિયમ કહેવાય. આ મુદ્દે સ્પષ્ટતા માટે છેલ્લા બે મહિનાથી હું બૅન્કની સ્થાનિક બૅન્ક અને ઇપીએફઓની અૉફિસ વચ્ચે ધક્કા ખાઇ રહ્યો છું. 

વ્યવહારકરે કહ્યું હતું કે મારી જેમ કેટલાય લોકોના આવા પેન્શન અકાઉન્ટ બૅન્કોમાં છે, તેમને આવી જ તકલીફો છે. નવાઇની વાત તો એ છે કે બૅન્કો અમને અમારા અકાઉન્ટ સેવિંગ્સ સહિતની અન્ય કેટેગરીના અકાઉન્ટ કરવાની છૂટ પણ નથી આપતી. એસબીઆઇના અૉફિસરોએ મને આવા જ જવાબો આપ્યા છે. 

માત્ર મુંબઈમાં જ નહીં દેશનાં અન્ય શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પેન્શનર સિનિયર સિટિઝન્સ છતે પૈસે આવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 

સર્વ શ્રમિક સંગઠન પેન્શનર્સ અસોસિયેશનના ઉદય ભટે કહ્યું હતું કે પેનલ્ટી લગાવવાના એસબીઆઇના નિયમ કે નિર્ણય સામે દેશભરના પેન્શનર્સ અવાજ ઉઠાવી રહ્યા છે. ગયા મહિને અમે મુંબઈ સહિત દેશભરમાં કેટલાંય સ્થળે આ સંબંધી વિરોધ દર્શાવવા આંદોલન પણ કર્યું હતું. 

દિલ્હી અને મુંબઈના ઇપીએફઓ કમિશનરને પણ અમે મળ્યા હતા. તેઓ સંમત હતાં કે પેન્શનરોના અકાઉન્ટમાંથી બૅન્કો પૈસા કાપી લે તે અયોગ્ય અને અન્યાયી છે. ઉપરાંત એસબીઆઇ અને ઇપીએફઓ વચ્ચેના કરારનો પણ ભંગ છે. હજુ અમે થોડો સમય રાહ જોઇશું, જો એસબીઆઇ આ રીતે જ પેનલ્ટી મારશે તો દેશભરમાં પેન્શનર્સ 

આંદોલન છેડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer