સ્વતંત્રતા પર્વથી ભારત-પાકિસ્તાન વચ્ચે સાયબરવૉર!

બન્ને દેશના હેકર્સની સેનાએ હથિયારો કર્યાં સજ્જ : સરકારી સાઈટો બનશે નિશાન

નવીદિલ્હી,તા.12: આ વર્ષે સ્વતંત્રતા પર્વથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સાયબર મોરચે ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના છે. બન્ને દેશનાં ઈન્ટરનેટ હેકર્સે આનાં માટે શત્રો સજ્જ કરી લીધા હોવાનું જાણવા મળે છે. 

ભારતનાં હેકર્સનો દાવો છે કે આ વખતે પાકિસ્તાન સામે લડી લેવામાં આવશે અને પાક.ની વેબસાઈટોને માત્ર કુરૂપ કરવા સુધી હુમલા સિમિત ન રહેતા તેના નેટવર્કને પણ હાઈજેક કરી લેવાશે અને રેન્સમવેર (વાયરસ) પણ તેમાં ઘુસાડી દેવામાં આવશે. ભારતનાં હેકર્સની સેના પાકિસ્તાનની સરકાર અને મહત્વની માળખાગત સહિત હજારો વેબસાઈટોને ઠપ કરી દેવાનો ઈરાદો ધરાવતી હોવાનું જાણવા મળ્યું છે.

3 ઓગસ્ટનાં રોજ ભારતનાં હેકર્સ દ્વારા પાકિસ્તાનની સરકારી સાઈટ હેક કરીને તેનાં ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણીનાં ચિત્રો ચીપકાવી દીધા હતાં. સામાન્ય રીતે ઓગસ્ટમાં બન્ને દેશનાં અંડરગ્રાઉન્ડ હેકર્સ સામસામે હુમલા કરીને એકબીજાનાં દેશની અમુક સાઈટોને નિશાન બનાવતા રહે છે પણ આ વખતે હવે મોટા પાયે સાયબર યુદ્ધ છેડાય તેવું હેકર્સનાં હવાલેથી સમાચાર માધ્યમોનાં અહેવાલોમાં જાણવા મળ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer