સુભાષ દેસાઈ અને પ્રકાશ મહેતાનાં રાજીનામાં મુખ્ય પ્રધાને નકાર્યાં
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રના ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતા પર ઘાટકોપરમાં એફએસઆઇ સંબંધી આક્ષેપો બાદ હવે ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઇ પર એમઆઇડીસીની જમીનના ભ્રષ્ટાચારના આક્ષેપો વિપક્ષ દ્વારા થઇ રહ્યા છે. દરમિયાન શિવસેનાના નેતા સુભાષ દેસાઇએ આવા આક્ષેપોના પગલે આજે સવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું સુપરત કર્યું હતું, પરંતુ ફડણવીસે તે નામંજૂર કર્યું હોવાના અહેવાલો છે. ખુદ દેસાઇએ પત્રકારોને આ વાત કહી હતી. એક ટીવી ચૅનલના અહેવાલ પ્રમાણે મહેતાએ પણ ગઈકાલે ફડણવીસને મળીને રાજીનામાની તૈયારી દાખવી હતી, પરંતુ તપાસનો અહેવાલ આવે ત્યાં સુધી રાહ જોવાનું કહીને ફડણવીસે મહેતાનું રાજીનામું પણ નકાર્યું હતું.  

દેસાઇએ જણાવ્યું હતું કે મેં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે આ બાબતે ચર્ચા કરીને નૈતિકતાનાં ધોરણે મુખ્ય પ્રધાન સાથે વાતચીત કરવા ગયો હતો. પદ પરથી હટી જવાની તૈયારી સાથે મારું રાજીનામું પણ આપ્યું હતું. જોકે, ફડણવીસે રાજીનામું આપવાની જરૂર નથી એમ કહીને રાજીનામું નકારી કાઢ્યું હતું. મુખ્ય પ્રધાન સમક્ષ મેં ખાતરી આપી હતી કે આક્ષેપોના પગલે કોઇ પણ પ્રકારની તપાસનો નિર્ણય સરકાર લેશે તે મને માન્ય હશે. 

વિધાન પરિષદમાં વિપક્ષના નેતા ધનંજય મુંડેએ આક્ષેપ કર્યો હતો કે નાશિક એમઆઇડીસીની 12 હજાર હેક્ટર અનામત જમીન કોઇ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર ખાનગી વિકાસ માટે ફાળવી આપવામાં આવી છે અને તેમાં ઉદ્યોગ મંત્રાલયની ભૂમિકા શંકાસ્પદ છે. મુંડેએ આ પ્રકરણે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મારફતે તપાસ અને દેસાઇના રાજીનામાની માગણી કરી હતી. 

ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતાએ ઘાટકોપરના એક બીલ્ડરને વધુપડતી એફએસઆઇ ફાળવીને ગરબડો આચરી હોવાના જોરદાર આક્ષેપો વિપક્ષો દ્વારા થઇ રહ્યા હતા તેમાં લોકાયુક્ત મારફતે તપાસની જાહેરાત મુખ્ય પ્રધાને કરી હતી તે તર્જ પર દેસાઇ વિરુદ્ધના આક્ષેપોની તપાસનું આશ્વાસન પણ ફડણવીસે  આપ્યું હતું.