મેટ્રો ટુબીના કામ સામે એસ. વી. રોડ વિસ્તારના રહેવાસીઓનો વિરોધ
ભૂગર્ભ કોરિડોર કરવાની માગ

મુંબઈ, તા.12 : એસવી રોડ નજીકના રહેવાસીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ ખારની સેક્રેડ હાર્ટ બોય્સ સ્કૂલની સામે એકઠા થઈને સરકાર સમક્ષ માગ કરી હતી કે મેટ્રો-2બી લાઈનનું બાંધકામ ભૂગર્ભમાં કરવામાં આવે.

એસવી રોડ વધુ પહોળો નથી, તેમ જ અહીં મેટ્રો આવતા ખૂબ જ મુશ્કેલી થશે. મોટા થાંભલાઓને લીધે ટ્રાફિકમાં વધારો થશે, એમ ખારના રહેવાસી જમિલા દાંડેકરે જણાવ્યું હતું.

દર એક કિલોમીટર પર સ્ટેશન હશે, જે અમારી બારીની સામે હશે અને તેના લીધે 200 રહેણાંક બિલ્ડિંગ પર પ્રતિકૂળ અસર પડશે. અમારા ઘરે હવા અને સૂર્યપ્રકાશ આવશે નહીં, એમ પણ તેમણે ઉમેર્યું હતું. વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું જેમાં તેમની પાસે `સે નો ટુ મેટ્રો, સ્ટોપ એલિવેટેડ મેટ્રો' લખેલાં બેનર હતાં. પોલીસના અનુસાર 1,500 જેટલા સ્થાનિક નાગરિકોએ આંદોલનમાં ભાગ લીધો હતો. ખાર રેસિડન્સ ઍસોસિયેશનના મેનેજિંગ ટ્રસ્ટી 87 વર્ષીય આનંદિની ઠાકુરે જણાવ્યું હતું કે, અમે અમારી માગ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ તે અમને સમય નથી આપતા.  તેમની પાસે ઉત્સવ (મુંબઈ પોલીસની વાર્ષિક ઈવેન્ટ) માં ત્રણ કલાક બેસવાનો સમય છે પરંતુ અમારા માટે 15 મિનિટ ફાળવી શકતા નથી. તેઓ અમારી માગને સાંભળી નથી રહ્યા.

સમાજસેવક અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતે જણાવ્યું કે, દક્ષિણ મુંબઈમાં તેમણે (મુખ્ય પ્રધાન) ભૂગર્ભ મેટ્રોને શા માટે મંજૂરી આપી.  કારણ કે તે ત્યાં રહે છે?

ઠાકુરની યોજના મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) સુધી રૅલી કાઢવાની છે અને આ બાબતે પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઈએલ) દાખલ કરવાની છે.

એમએમઆરડીએના પ્રવક્તા દિલિપ કવાથકરે જણાવ્યું કે, જો મેટ્રો કોરિડોરને ભૂગર્ભમાં કરવામાં આવે તો પ્રસ્તાવિત કરતા ખર્ચ કમસે કમ ત્રણ ગણો વધી જશે.