જરૂરિયાત કરતાં 45 ટકા આધુનિક શત્રોની અછત

મુંબઈ, તા. 12 : રાજ્યમાં 65,026 આધુનિક શત્રોની અછત છે, જે માર્ચ 2015 સુધીની જરૂરિયાતના માત્ર 45 ટકા થાય છે, એવું વર્ષ 2016 માટેના કમ્પટ્રોલર ઍન્ડ ઓડિટર (કેગ) એ રાજ્ય વિધાનસભામાં રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું હતું.

અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે કુલ અૉર્ડરમાંના 41 ટકા એટલે કે 1834 શત્રો જે છ મહિનાથી સાડા ચાર વર્ષના ગાળાના છે તેનો પુરવઠો અૉર્ડનન્સ ફૅક્ટરી બોર્ડ તરફથી આવવાનો બાકી છે.

આ ઉપરાંત રૂા. 26.76 કરોડના મહત્ત્વનાં પોલીસ ઇક્વિપમેન્ટ જેમાં બુલેટપ્રૂફ જેકેટ્સ, નાઇટ વિઝન બાઇનોક્યુલર્સ અને બૉમ્બ ડિસ્પોઝલ સુટનો સમાવેશ છે, જેને રાજ્યએ ખરીદવાની યોજના ઘડી હતી, તે સપ્ટેમ્બર 2016 સુધી પ્રાપ્ત કરાયાં ન હતાં.

આ શોધ કેગના પર્ફોમન્સ ઓડિટ અહેવાલનો એક ભાગ છે. મહારાષ્ટ્રમાં 2011-16 દરમિયાન પોલીસ ફોર્સના પર્ફોમન્સ માટેની કેન્દ્રની યોજનાના અમલને લગતો આ અહેવાલ છે.

અહેવાલમાં જણાવાયું છે કે ઉપલબ્ધ ભંડોળમાંથી 38 ટકા ભંડોળનો જ ઉપયોગ આ સમયગાળામાં કરાયો છે. કેન્દ્ર સરકારને આપવા માટેના વાર્ષિક આયોજનને તૈયાર કરવામાં વિલંબ થયો હોવાથી ઓછો ખર્ચ કરાયો હતો, જેને કારણે ભંડોળ છૂટું થવામાં અસર થઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે `રાજ્ય સરકારે અગાઉના વર્ષના ભંડોળનો ઉપયોગ નહીં કર્યો હોવાથી વર્ષ 2011-16 દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રૂા. 265.38 કરોડ મેળવી શકી નથી.'

નવ ટેસ્ટ-ચેક જિલ્લામાં પોલીસકર્મીઓ દ્વારા ફાયરિંગ (ગોળી ચલાવવી) પ્રેક્ટિસમાં 60-70 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું કેગના અહેવાલમાં છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે પુણેના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે આ બાબતનો દોષ શત્રોની અછત ઉપર ઢોળયો છે જ્યારે મુંબઈ પોલીસ કમિશનરે ફાયરિંગ રેન્જની અછત હોવાનું જણાવ્યું છે.

પોલીસ વાહનની પણ તીવ્ર અછત છે. આમાં 76 ભારે વાહનો, 1852 મધ્યમ વાહનો અને 5797 મોટરસાઇકલનો સમાવેશ હોવાનું અહેવાલ જણાવે છે. આ ઉપરાંત પોલીસ કૉમ્યુનિકેશન નેટવર્ક પણ અપૂરતું છે, આનું કારણ એ છે કે ઉપલબ્ધ ભંડોળનો ઉપયોગ કરાયો નથી. એવું જાણવા મળ્યું છે કે ડિજિટલ રેડિયો ટ્રંકિંગ સિસ્ટમ જે રૂા. 9.56 કરોડના ખર્ચે ખરીદાઈ હતી તે 39 મહિનાના વિલંબ પછી પણ શરૂ થઈ ન હતી.

ટેકિનકલ સ્ટાફની અછતને કારણે ફોરેન્સિક લૅબોરેટરીના કામકાજને પણ અસર થઈ છે. 1 જાન્યુઆરી, 2017થી 24,171 સેમ્પલ તપાસવાના બાકી હોવાનું અૉડિટર રિપોર્ટમાં જણાવાયું છે.

અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2011-16 દરમિયાન આયોજન કરેલા બિલ્ડિંગમાંથી માત્ર આઠ ટકાનું બાંધકામ અને અપગ્રેડેશન થયું છે, જેમાં પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer