શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં સુરેશ રૈનાની વાપસી શક્ય

એનસીએમાં તાલીમ શરૂ કરી : ટીમમાં સમાવેશ માટે યુવરાજ, કેએલ રાહુલ પણ દોડમાં

નવી દિલ્હી, તા. 12 : ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી માટે પ્રયાસો કરી રહેલા સુરેશ રૈનાને આનંદના સમાચાર મળે તેવી શક્યતા છે. રૈના ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસમાં જોવા મળશે. શ્રીલંકા સામે ટેસ્ટ સીરિજ બાદ વન ડે અને ટી-20 શ્રેણી રમાવાની છે. આ શ્રેણીમાં સુરેશ રૈનાની પસંદગી અંગે વિચાર કરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રૈના હાલમાં બેગ્લોરની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં તાલિમ લઈ રહ્યો હોવાથી ભારતીય ટીમમાં સમાવેશની ચર્ચાને જોર મળ્યું છે. 

સુરેશ રૈના 2019ના વિશ્વકપમાં હિટિંગની આગવી શૈલીથી શાનદાર પ્રભાવ છોડી શકે છે. હાલમાં જ રૈનાએ સોશિયલ મીડિયા ઉપર ધોની અને કેદાર જાધવ સાથે વન ડે શ્રેણી પહેલા તાલીમના ફોટા મુક્યા હતા. આ તસવીરોથી એવી અટકળો વહેતી થઈ છે કે રૈના શ્રીલંકા જવાની તૈયારી કરી રહ્યો છે. 

બે વર્ષ અગાઉ સુરેશ રૈનાએ વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે મેચ રમ્યો હતો. ત્યાર બાદ એકપણ આંતરાષ્ટ્રીય વન ડે મેચ રમ્યો નથી. જો કે શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં પસંદગી માટે રૈનાને હરીફાઈનો સામનો પણ કરવો પડશે કારણ કે, યુવરાજ સિંહ, કેએલ રાહુલ, અજિંક્ય રહાણે અને મનીષ પાંડે પણ એનસીએમાં તાલીમ લઈ રહ્યા છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer