સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા : કચ્છમાં મેઘતાંડવના એંધાણ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા : કચ્છમાં મેઘતાંડવના એંધાણ
રાજકોટમાં છપ્પરફાડ 17 ઈંચ, ચોટીલામાં આભ ફાટયું, પાંચનાં મોત, 1500નું સ્થળાંતર

અમારા પ્રતિનિધિ તરફથી

ગાંધીનગર/રાજકોટ, તા.15 : વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બરાબર ઝપટમાં લીધા છે. આ વિસ્તારોમાં બારે મેઘ ખાંગા છે. ચોટીલામાં 24 ઇંચ, ટંકારામાં 18 ઇંચ અને હજુ પણ વરસાદી માહોલ છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે અને મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ચોટીલા તાલુકામાં 15 કલાકમાં 560 મિ.મી. એટલે કે 24 ઇંચ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં 340 મિ.મી. એટલે કે 13 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં238 મિ.મી.9 ઇંચથી વધુ, ખેડા જિલ્લામાં કપડવંજમાં 144, વલસાડ જિલ્લા કપરાડામાં 260 મિ.મી. 10 ઇંચથી વધુ રાજકોટ જિલ્લામાં પડધરીમાં 159 મિ.મી.મૂળીમાં 130 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આજે સવારે સમીક્ષા કરી હતી. રાજ્ય પર તોળાતા અતિભારે વરસાદની થતી આગાહીઓ પૂરપાટ વરસાદ સ્વરૂપે આકાશમાંથી વરસી પડતાં જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાઇ છે. `ખોબો માંગુ ને દઇ દે દરિયો'' માફક પડેલાં ધોધમાર વરસાદે ચોટીલામાં 24 ઇંચ ખાબકતા ખાનાખરાબી સર્જાઇ છે.

સૌરાષ્ટ્રથી અતિવૃષ્ટિ જેવા વરસાદનો પ્રારંભ થતાં પાટનગર એવા રાજકોટમાં 18 ઇંચ, ટંકારામાં 17 ઇંચ, ધ્રોળમાં 10 ઇંચ, વાંકાનેર પંથકમાં 9થી 16 ઇંચ, આમરણમાં 10 ઇંચ જેવો અતિભારે વરસાદ પડી ગયો છે.

સાત ઇંચથી 24 ઇંચ સુધીના સેન્ટરોને બાદ કરતા સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પડેલો વરસાદ કાચા સોના સમાન વધાવાયો છે.

આ ભારે વરસાદને કારણે બે દિવસમાં પાંચ લોકોના મૃત્યુ થયાનું જાણવા મળે છે. 1500 લોકોનું સ્થળાંતર કરવું પડયું છે. સુરેન્દ્રનગર દંપતી તણાયાના અહેવાલ છે તો ભોગાવોમાં 3 લોકો ફસાયાના તેમજ સાયલા પંથકમાં 1 બાળક તણાઇ ગયાનું જાણવા મળે છે.

આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં પણ સર્જાઇ છે. છોટા ઉદેપુરના જાંબુવા ખાતે કારમાં 3 વ્યકિતના તણાઇ જતાં મોત થયાં છે.

છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં 6, વલસાડમાં 11 ઇંચ, વરસાદ મળી 20 તાલુકામાં 3 થી 18 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 203 જળાશયો પૈકી 7ને હાઇએલર્ટ અને અન્યને એલર્ટ જાહેર કરાયા છે. રાજયના 31 માર્ગો બંધ કરાયા છે તો 124 ગામો વીજ વિહોણા બન્યા છે. એસ.ટી.ના રૂટ અને વિમાની સેવા તેમજ રેલ વ્યવહારને માઠી અસર થઇ છે. જેમાં રદ થવા ઉપરાંત ખોરવાઇ જવાથી વિલંબિત થવાની સમસ્યાનો સમાવેશ થાય છે. વડોદરા પંથકમાં ખેતીલાયક વરસાદથી આનંદ ફેલાયો છે. સુરતમાં મધુવન ડેમના 10 દરવાજા ખોલાયા હતાં.

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા છે. વીજ આંચકે મહિલાનું મોત થયું છે.

દરમિયાન હવામાન ખાતાએ વેધર વોર્નિંગમાં જણાવ્યું છે કે, મધ્યપ્રદેશનું લો પ્રેશર 48 કલાકમાં ડીપ્રેશનમાં પરિવર્તિત થઇ કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત-રાજસ્થાનમાં અતિભારે વરસાદ લાવી શકે છે જેમાં કચ્છમાં મેઘતાંડવની શકયતા છે. રાજયના તમામ સ્થળે કંટ્રોલરૂમ યુધ્ધના ધોરણે કાર્યરત છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer