આસામમાં વધુ ત્રણનાં મોત : પૂર સ્થિતિ યથાવત્

કુલ મૃતકાંક વધીને 54, જ્યારે પૂર્વોત્તરનો આંક વધીને 90 : કાજીરંગા પાર્કમાં 73 પ્રાણીનાં મોત : કાશ્મીરમાં ત્રણ જીવ ગયા

ગુવાહાટી, તા. 15 :  ભારતમાં અનેક ભાગોમાં ભારે વરસાદના હેવાલો મળી રહ્યા છે અને લાંબા સમયથી ચાલી રહેલી આસામની પૂરની સ્થિતિ હજુ પણ યથાવત રીતે ગંભીર બનેલી છે. વધુ ત્રણ લોકોના મોતની સાથે જ આંકડો વધીને હવે 54 ઉપર પહોંચી ગયો છે. રાજ્યના ર8 જિલ્લાના આશરે 15 લાખ લોકો હજુ પણ અસરગ્રસ્ત થયેલા છે. પૂર અને ભારે વરસાદના કારણે કાજીરંગા નેશનલ પાર્કના લગભગ 73 પ્રાણીઓના પણ મોત થયા છે. 

પૂર્વોત્તર રાજ્યોમાં પૂરસંબંધી ઘટનાનો મૃતકાંક વધીને 90 થયો છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદ સંબંધી ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે. ગેન્ડા માટે વિશ્વભરમાં લોકપ્રિય આ પાર્ક પાણીમાં ગરકાવ છે. પ્રાણીઓને અન્યત્ર ખસેડી લેવાની કામગીરી પણ ચાલી રહી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું છે કે, ધેમાજી, ઢુબ્રી અને નાગાવ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા છે. એકલા ગુવાહાટીમાં આઠ લોકોના મોત થઇ ચૂક્યા છે. કાજીરંગા નેશનલ પાર્કમાં 62 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે. પાર્ક નજીકથી પસાર થતા વાહનોની ટક્કરથી પણ કેટલાક અસામાન્ય પ્રાણીઓનાં મોત થયા છે. જ્યારે બ્રહ્મપુત્ર નદી પાંચ સ્થાનો પર ખતરાના નિશાનથી ઉપર વહે છે. હાલમાં 2240 ગામો જળબંબાકાર છે.  રાજ્ય સરકાર દ્વારા 363 રાહત કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. 

બચાવ અને રાહત કામગીરીમાં હવે રેલવે તંત્રના લોકો જોડાયા છે. રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ વરિષ્ઠ રેલવે અધિકારીઓને રાહત સામગ્રીના પુરવઠા માટે રાજ્યો સાથે સંકલન કરવા આદેશ કર્યા છે. આસામમાં  તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી  છે.  કાજીરંગા નેશનલ પાર્કના પ્રાણીઓનાં મોતના કારણે  સૌથી વધારે ચિંતા જોવા મળી રહી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવનાર કાજીરંગા નેશનલ પાર્કમાં 2500 ગેન્ડા રહે છે.

પૂરના કારણે હરણ સહિત કુલ 73 પ્રાણીઓનાં મોત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કહેવા મુજબ છેલ્લા 12 કલાકમાં 25000 લોકોને અસર થઇ છે. બીજી બાજુ તમામ પ્રકારની મદદ કરવા ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.

ગુવાહાટીથી પ્રાપ્ત હેવાલમાં મોતનો આંકડો વધીને 54 ઉપર પહોંચી ગયો છે. એકલા લખીમપુર જિલ્લામાં ત્રણ લાખથી વધારે લોકો પૂરના સકંજામાં આવી ગયા છે. તમામ મોટી નદીઓ અને તેમની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે.

આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ દ્વારા આજે કહેવામાં આવ્યું હતું કે, સ્થિતિ ખૂબ વિકટ છે. તેમણે કહ્યું છે કે,  પૂરની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 31 હાજાર લોકો માટે 363 રાહત કેમ્પ સ્થાપિત કરવામાં આવી ચૂક્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer