વડા પ્રધાન મોદી અને યોગી આદિત્યનાથને મસૂદ અઝહરની ધમકી
જૈશ એ મોહમ્મદ દ્વારા જારી કરાયેલા  અૉડિયોમાં મોદી અને યોગી ઉપર દવા અથવા કેમિકલ હુમલો કરવાનો ઉલ્લેખ

નવી દિલ્હી, તા. 15 : પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદ દ્વારા જારી કરવામાં આવેલી નવી ઓડીયો ટેપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી છે. આ ટેપ જારી થયા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમાં પણ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિસ્ફોટકો મળ્યાના એક દિવસ બાદ આ ટેપ બહાર આવતા યોગી આદિત્યનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જૈશની આ ઓડીયો ટેપ અંગે એનઆઈએ અને યુપી એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

જૈશ એ મહોમ્મદના સરગના મસૂદ અઝહરે આ ટેપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ ઉપર વિસ્ફોટકને બદલે કેમીકલ અથવા દવા વડે હુમલો કરવાનો ઉલ્લેખ કર્યો છે. ધમકી ભર્યો આ ઓડીયો કાશ્મીરમાંથી જારી કરવામાં આવ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ એટીએસ આ ટેપને નકલી ગણાવી રહી છે. બે અઠવાડિયાની અંદર મોદી અને યોગીને આ બીજી ધમકી મળી છે. 2001માં સંસદ ઉપર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ આ ઓડીયો વડે સ્પષ્ટ કરી રહ્યો છે કે, જૈશ બંદૂક અને વિસ્ફોટકો જેવા હથિયારોને બદલે કેમીકલ અને દવાઓના ઉપયોગ કરવાનું વધુ પસંદ કરી રહ્યું છે. યુપી વિધાનસભામાં પણ મળલુ વિસ્ફોટક પીઈટીએન (પેન્ટેરિથ્રીટોલ ટેટ્રાનેરેટ્રેટ ) છે. સામાન્ય રીતે પીઈટીએનનો ઉપયોગ દવાઓમાં થાય છે.