કચ્છ પર મન મૂકીને વરસતા મેઘરાજા
ભુજ, તા. 15 : રાષ્ટ્રપતિની  ચૂંટણી, બિહારમાં ઉપમુખ્યમંત્રીનો ભ્રષ્ટાચાર, મોંઘવારી, જી.એસ.ટી., કાશ્મીર સહિતના અનેકાનેક કડવાશભર્યા મુદ્દાઓને આજે એકીઝાટકે સરહદી જિલ્લામાં સચરાચર બેથી આઠ ઈંચની ધમાકેદાર હાજરી સાથે મેઘરાજાએ મીઠાશમાં ફેરવી દીધા હતા. પ્રશ્નો, સમસ્યા, પીડાને ભૂલીને કચ્છીઓએ સૂરજબારી, આડેસરથી નારાયણસરોવર, કાળાડુંગર, માંડવી, મુંદરા સુધી મેઘરાજાને વધાવ્યા હતા. ભલે આવ્યો, ભલી કરી આવ્યો, વ્હાલીડો વરસ્યો, મન મૂકીને વરસ્યો તેવા લાડભર્યા શબ્દો સાથે ઠેર-ઠેર મેઘોત્સવ મનાવતા લોકો ભીંજાતાં ભીંજાતાં રસ્તા પર ડેમ, તળાવ, નદીકાંઠે-કિનારે પહોંચી ગયા હતા. અબડાસા પર ચાર કલાકમાં આઠ ઈંચ રૂપી મેઘમહેર 200થી વધુ ઘરો માટે કહેર સાબિત થઈ હતી, તે સિવાય સમગ્ર કચ્છમાં ખૂબ શાંતિપૂર્વક મેઘમહેર થતાં ખેડૂતો -માલધારીઓ સહિત જનજીવન ખીલી ઊઠયું હતું. અપરએર સાયક્લોનિક સિસ્ટમ હવે કચ્છ પર વધુ કેન્દ્રિત થઈ હોવાથી જિલ્લાનું વહીવટીતંત્ર સાબદું થઈ ગયું અને અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. જો કે, જિલ્લાના મોટા ડેમ-તળાવોમાં આજે જ પાણી પ્રવેશ્યા કે દેખાયા હોવાથી ખેડૂતવર્ગ રાઉન્ડવાર મેઘરાજાની પધરામણી કરે તેવું ઈચ્છી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેને સંલગ્ન ગુજરાતના વિસ્તારો પર એકીસાથે બબ્બે સિસ્ટમના સંગાથે ધરતીના લાડાએ પધરામણી કરી હતી, વીતેલા ત્રણ દિવસથી પૂર્વ દિશાએથી સક્રિય થયેલા આ ચોમાસાએ જિલ્લા મથક ભુજને હજુ ભીંજવ્યું નહોતું પણ અષાઢ વદ સાતમની સવારે ભુજ અને અબડાસા, માંડવી, ભચાઉ, લખપત, નખત્રાણા માટે ધીંગા ધીંગા ઝાપટાઓનો ધોધમાર દોર લાવી  અને પરોઢથી બપોર સુધી એકદમ શાંત છતાં ભારે જોશીલા વરસાદે કચ્છ અને ભુજના હૃદયસમા હમીરસરની આવને જીવંત કરી હતી. 

સૂકા ભઠ્ઠ સરોવરમાં પણ ફિણોટા પાલર પાણીએ ભારે ફેલાવો કરતાં ઉત્સવપ્રિય શહેરીજનો શ્રાવણ પહેલાં જ થનગની ઊઠયા હતા. તાલુકામાં આજનો સત્તાવાર વરસાદ 175 મિ.મી. અને મોસમનો 258 મિ.મી. નોંધાયો હતો.

શનિવારના આ વરસાદે અર્ધદુકાળના ડામથી પીડાતા અબડાસા પર જાણે અદકેરું વ્હાલ વરસાવવાનું નક્કી કર્યું હોય તેમ ચાર જ કલાકમાં આઠ ઈંચ પાણી ઝીંકી દેતાં કપાસપ્રિય ખેડૂતોની `ખીલ' છૂટી ગઈ હતી, જો કે, અનરાધાર વરસાદે રીતસર ફેં ફાડી નાખી હતી, અનેક વાહનો રસ્તાની એક બાજુ ડરીને રોકાયા હતા, તો અમુક ઉત્સાહીઓ વહેતાં પાણીમાં થોડા ઘણા તણાયા પણ હતા. વાડાપદ્ધર પર તો નાનું વાદળું ફાટયું હોય તેમ આભ વરસ્યું હતું. 

હજુ સુધી મેઘમહેરથી વંચિત રહેલા ભુજ પર પણ મેહુલિયાએ દૃષ્ટિપાત કર્યો હતો અને સવારના 9?વાગ્યાથી તો તમામ શત્રસરંજામ જાણે ખાલી જ કરવા હોય તેમ બપોરના ત્રણેક વાગ્યા સુધી ધૂમધડાકા ચાલ્યા હતા. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં અને થોડી ચિંતાનું મોજું પણ ફરી વળ્યું હતું. જો કે, બપોર બાદથી મેઘરાજાએ પોતાનું અટ્ટહાસ્ય સહેજ મંદ કરતાં રાહત થઈ હતી. શહેરમાં 106 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ઠેર-ઠેર ગેરકાયદે દબાણો થકી દશ ઈંચ વરસ્યો હોય તેવું લાગ્યું હતું.