અમદાવાદમાં કાપડના વેપારીઓની ભારે વરસાદ વચ્ચે વિશાળ રૅલી નીકળી

અમદાવાદમાં કાપડના વેપારીઓની ભારે વરસાદ વચ્ચે વિશાળ રૅલી નીકળી
``જીએસટી હટાવો, કાપડ ઉદ્યોગ બચાવો''ના નારા લગાવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.15 : કાપડ ઉદ્યોગમાં જીએસટી લગાડવાના વિરોધમાં આજે કાપડના વેપારીઓ અને ઍસોસિયેશનોએ વિશાળ રૅલીનું આયોજન કર્યુ હતું. આ રૅલી ન્યૂક્લોથ માર્કેટથી નીકળી હતી જેમાં સુરતના ઉપવાસી પણ જોડાયા હતા જેમનું સોનાની ચેઇન પહેરાવી સન્માન કર્યુ હતું. રૅલીને કાશી વિશ્વનાથના મહંતે તથા મસ્કતી મહાજનના અધ્યક્ષ ગૌરાંગ ભગતે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવયું હતું. છેલ્લા 15 દિવસથી કાપડના વેપારીઓ જીએસટીના વિરોધમાં હડતાળ પર છે અને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

ગૌરાંગ ભગતે જણાવ્યું હતુંકે આ રૅલીમાં જુદા જુદા કાપડ મહાજનોના વેપારીઓ તથા હાથલારીવાળા ઓ અને ટેમ્પાવાળાઓ પ્રોસેસહાઉસવાળાઓ પણ રૅલીમાં જોડાયા હતા. એકંદરે હજારો વેપારીઓ આ રૅલીમાં જોડાયા હતા. આ રૅલી આશ્રમરોડ પર પહોંચી ત્યારે વેપારી મહામંડળ પાસે રૅલીને અટકાવી હતી અને ત્યાંથી 15 આગેવાનો બસમાં બેસીને વેચાણવેરા અૉફિસે ગયા હતા અને એકસાઇઝ કમિશ્નર અજય જૈન અને પી.ડી.વાઘેલાને આવેદનપત્ર આપયું હતું.

ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે કાપડ બજારના વેપારીઓ માટે હાલનો સમય આગામી દિવાળીના વેપારના કાપડના બુકિંગનો હોય છે પણ હાલ પરિસ્થિતિ એવી છે કે વેપારીઓ કાપડના બુકિંગ લઇ શક્યા નથી એટલે કાપડ બજારમાં કારોબાર અટવાયો છે અને શાખ ઉપર વેપાર થતા કાપડ બજારમાં પેમેન્ટની સાયકલ અટવાઇ પડી છે જે આગળના સમયમાં કાપડ બજાર માટે ભારે મુશ્કેલી સર્જશે એવું મનાય છે સાથે સાથે ક્રિસમસના અૉર્ડરો પણ બુક નહી થઇ શકવાને કારણે તેમાં પણ મુશ્કેલી સર્જાવાની છે હાલ જીએસટીની બબાલમાં કાપડ બજારનો કારોબાર બિલકુલ ઠપ્પ થઇ ગયો હોવાનું જાણવા મળે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer